પ્રાગટ્ય અને દિવ્ય સંકેતો
માતુશ્રી છે જીવુમા પિતાશ્રી હરજીવનદાસ બળદેવ સદ્ગુરુ સવારામના ચરણકમળનો દાસ
ચેતન બ્રહ્મ રણુજાના રાય પીર રામદેવજી મહારાજે શ્રી સવારામ સાહેબને વચન આપતા એવા શબ્દ ઉચ્ચારેલા કે "આગળ ઉપર સમય અનુકૂળ બનતાં અનાયાસે જે પુરુષના હાથે જે કંઈ બનવાનું હશે તે બનશે..."
આ શબ્દો અહીંના ભાવિ મહાપુરુષના પ્રાગટ્યનો અને તેમની કાર્યવાહીનો સંકેત કરે છે. શ્રી સવારામ સાહેબે નાગદેવના સૂચનથી પોતે માટીકામનો વ્યવસાય બંધ કર્યો હતો પણ તેમના સુપુત્ર શ્રી હરજીવનદાસ અને તેમના ધર્મપત્ની શ્રી જીવતીબાઈ (જીવુમા) એ ધંધો કરતા કરતા ખૂબ કષ્ટ વેઠીને ઘરનું ગુજરાન ચલાવવા સહિત અહીં પધારતા સાધુ સંતની સેવા કરતા અને સદાવ્રતની કાર્યવાહી સંભાળતા હતા.
આવા ભક્ત અને ભક્તિના ઘર પ્રજાપતિ કૂળમાં શ્રી હરજીવનદાસ અને શ્રી જીવુમાને નિમિત્ત બનાવી એમને ત્યાં વિ. સંવત ૧૯૯૦ (ઈ.સ. ૧૯૩૪)ના જેઠ સુદ ૧૫ને રવિવારના રોજ શ્રી બળદેવદાસ મહારાજનું પ્રાગટ્ય થયું. અલૌકિક સત્તા અને શક્તિના કેન્દ્ર સમા મહાપુરુષનો પ્રાદુર્ભાવ થયો. મનુષ્ય કૃતિના રૂપમાં નિજારી પુરુષ પ્રગટ્યા. કાદવમાં કમળ ખીલે એમ પીપળી જેવા ગામમાં, એ ભૂમિને ધર્મભૂમિ બનાવવા અને શ્રી રામદેવપીરનું પાવનકારી ધામ બનાવવા એમનું આગમન થયું. સંતપુરુષોના દિવ્ય શબ્દ સંકેતો અને ચેષ્ટા દ્વારા આ સત્યની પ્રતીતિ થાય છે.
તેઓશ્રીએ પોતાના પ્રાગટ્ય સમયે પયપાન શરૂ કર્યું ન હતું. સર્વ ચિંતાતુર બની ગયા. એ સમયે શ્રી સવારામ સાહેબે ઉચ્ચારેલા શબ્દો ખૂબ સૂચક અને ગર્ભિત છે. તેમણે તેઓશ્રીના શીર ઉપર હાથ મૂકતા કહ્યું કે, "ભાઈ, આવું ન ચાલે. શરીર ધારણ કરીને આપ આ વિશ્વમાં આવ્યા છો તો શરીરને અનુરૂપ બનવું જ પડે. આપને પસંદ હોય કે ન હોય, આપને ગમે કે ન ગમે, આપની ઇચ્છા હોય કે ન હોય પણ માનવસહજ ચેષ્ટાને ધારણ કરવી પડે છે. એને અપનાવવી પડે છે."
ત્યાર બાદ આ શબ્દોનો મર્મ ગ્રહણ કરી તેમણે એ શબ્દો માન્યતામાં મૂકીને માનવસહજ ચેષ્ટા ધારણ કરી લીધી અને પયપાન શરૂ કરી દીધું. શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રી રામદેવપીર જેવા અવતારી પુરુષો પણ માનવસહજ ચેષ્ટામાં વર્ત્યા છે. શ્રી સવારામ સાહેબના શબ્દો આ અવનિ પર થયેલ મહાપુરુષના પ્રાગટ્યનો અણસાર આપે છે.
આ ઉપરાંત ગિરનારના લગભગ ૨૫૦ વર્ષની ઉંમરના સિદ્ધપુરુષ શાંતિગીરી મહારાજે બાળસ્વરૂપી શ્રી બળદેવદાસ મહારાજના શીર ઉપર શ્રી સવારામ સાહેબનો હાથ મૂકાવેલો અને પછી પોતે મૂકેલો. એ વખતે તેમણે શ્રી સવારામ સાહેબને કહ્યું કે, "આપને અબ ઈસ બાલક કે શીર પર હાથ રખા હૈ તો ગુરુ મહારાજ કે પ્રતાપ સે યે મહાન પરાક્રમી ઔર સિદ્ધ પુરુષ હોગા ઔર સારી વિશ્વ મેં ઉસકા ડંકા બજ જાએગા." તેમના આ શબ્દોનો પ્રભાવ અને સત્યતા હવે દૃષ્ટિગોચર થઈ રહ્યા છે.
એ જ રીતે ધ્રાંગધ્રા શહેરના કાશી વિશ્વનાથના મંદિરના મહાપુરુષ શ્રી નારાયણ સ્વામીના શબ્દો પણ ખૂબ સૂચક છે. શ્રી બળદેવદાસ મહારાજના પ્રાગટ્યના સમાચાર આપવા તેમના પિતાશ્રી હરજીવનદાસ શ્રી નારાયણ સ્વામી પાસે ગયેલા. એ સમાચાર સાંભળી શ્રી નારાયણ સ્વામીએ આગમરૂપ શબ્દો ઉચ્ચારતા કહેલું કે, "મેં વો બાત જાનતા હૂં. તેરે ઘર જો લડકા હૈ વો રાજતિલક હૈ. યે બાત યાદ રખના. મુજે વો પતા હૈ, ઉસને બહોત યોગ કીયા હૈ ઔર રાજ ભોગકર આયા હૈ. આગે દેખના ક્યા હોતા હૈ. વો સારી દુનિયા મેં નામ કમાયેગા ઔર ઉસકા પ્રકાશ ચારોં ઓર ફૈલ જાએગા. મગર યે બાત અભી કીસીકો કહેના મત. સમય આને પર સબકો માલૂમ હો જાએગા." આમ તેમના આ શબ્દો પણ અવતારી પુરુષના પ્રાગટ્યનો નિર્દેશ કરે છે.
તેઓ અવતારી પુરુષ હોવા અંગેનું તેમનું બચપણનું હજુ એક વધુ પ્રમાણ મળે છે. તેમની જન્મકુંડળી બનાવતી વખતે ધ્રાંગધ્રાના વિદ્વાન જ્યોતિષી કાળુ મહારાજે શ્રી હરજીવનદાસને નવાઈ સાથે જણાવેલું કે, "આ બાળક કોઈ અવતારી પુરુષ હોય એવા ચિહ્નો બતાવે છે. તે ખૂબ મહાન બનશે. સમય આવશે ત્યારે તેની મહાનતા પ્રગટ થશે અને ધર્મના ક્ષેત્રે વિશ્વમાં ડંકો વગાડશે. આખી દુનિયા તેના ચરણોમાં ઝુકશે અને શીર નમાવશે. વિશ્વમાં યુગો સુધી તેનું નામ અમર બની જશે."
શ્રી સવારામ સાહેબે સમય અને સંજોગ વિચારીને એ જન્મકુંડળી રાખી ન હતી. હવે એ સમય વર્તાઈ રહ્યો છે.