શ્રી રામદેવપીરનું બાવનગજનું દેવળ
રણુજાના રાય પીર રામદેવજી મહારાજે શ્રી સવારામ સાહેબને બાવનગજના નેજાનું અને કાયમી બેસવાનું વચન આપ્યું તેનું પ્રતિબિંબ શ્રી ઝબુબાઈના પદ "પીપળીએ પીરૂના બેસણા"માં પડે છે. એ શબ્દો સાકાર બનવાનો સમય અનુકૂળ બન્યો. પીપળી ધામમાં આદશક્તિના સ્થંભનું સ્થાપન વિ.સં. ૨૦૫૧માં થતાં અને આદશક્તિ વેરાઈ માતાનું દેવળ વિ.સં. ૨૦૫૧માં બનતા હવે પીર રામદેવજી મહારાજનું બાવનગજનું દેવળ બનાવવાનું નક્કી થયું. સદ્ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે કુટુંબના સભ્યોને અને ગણપતભાઈ પ્રજાપતિ (મોટા હરિપરા) તથા પરસોત્તમભાઈ પ્રજાપતિ (ધ્રાંગધ્રા) વગેરેને તેનું સૂચન કરી દીધું. એ અનુસાર નકશો તૈયાર થતા ધ્રાંગધ્રાના સોમપુરાને કામ સોંપાયું.
ત્યાર બાદ વિક્રમ સંવત ૨૦૫૧ના ફાગણ વદ ૧૩ ને બુધવાર તા. ૨૯-૩-૧૯૯૫ના રોજ સવારે નવા નવ વાગ્યે શ્રી બળદેવદાસ મહારાજ અને શ્રી ગોદાવરીબેન (માતાજી)ના શુભ હસ્તે દેવળનું ભૂમિપૂજન થયું. એ સમયે ગણપતભાઈ પ્રજાપતિને દેવળના બાંધકામની નિમિત્તરૂપ જવાબદારી સોંપાઈ.
ત્યાર બાદ વિક્રમ સંવત ૨૦૫૧ના ચૈત્ર સુદ ૧૫ને શનિવાર તા. ૧૭-૪-૧૯૯૫ના રોજ સવારે સવા સાત વાગ્યે દેવળનો શિલાન્યાસવિધિ થયો. સદ્ગુરુની પ્રેરણાથી કાર્યવાહી ઝડપી બની. સેવક સમુદાય પણ સેવાનો લ્હાવ લેવા દેવળની કામગીરીમાં જોડાયો. જોતજોતામાં સવા બે વર્ષના ગાળામાં પથ્થરના બાંધકામની કાર્યવાહી બની ગઈ. પછી દેવળને સુશોભિત કરવાની કાર્યવાહી બની. અનેકવિધ મૂર્તિઓ અને નકશીકામથી દેવળ શોભી ઉઠ્યું. તેમાં સ્થાપિત થયેલી મૂર્તિઓ નીચે પ્રમાણે છે :
અવતાર : વિષ્ણુ
(૧) કચ્છ (૨) મત્સ્ય (૩) વરાહ (૪) નૃસિંહ (૫) વામન (૬) પરશુરામ (૭) રામ (૮) કૃષ્ણ (૯) બુદ્ધ
નવદુર્ગા :-
(૧) શૈલપુત્રી (૨) સ્કંદમાતા (૩) કાલરાત્રિ (૪) કાત્યાયની (૫) મહાગૌરી (૬) કુષ્માંગા (૭) બ્રહ્મચારીણી (૮) ચંદ્ર ઘંટા (૯) સિદ્ધિદાત્રી
આ ઉપરાંત મહાકાળી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, અન્નપૂર્ણા દેવી અને વીણાવાદીની ના દર્શન થાય છે.
ચારે જુગના ધર્મના આગેવાન :
(૧) પ્રહલાદ (૨) હરિશ્ચન્દ્ર (૩) યુધિષ્ઠિર (૪) બલીરાજા
ઉપરાંત ત્રણ દિશાના દેવ (૧) યમ (૨) વરૂણ (૩) દત્તાત્રેય તથા કુબેર, નટરાજ અને બલરામની મૂર્તિઓ છે.
ચાર દિશાના ચાર ખૂણા :
(૧) અગ્નિ (૨) નૈઋત્ય (૩) વાયવ્ય (૪) ઈશાન
આ સિવાય નીચે પ્રમાણે અન્ય મૂર્તિઓ અને પ્રતિકો છે :
(૧) અર્ધનારેશ્વર (૨) ઋષિ (૩) ઋષિ અને ઋષિપત્ની (૪) ગોપીચંદ અને ભરથરી (૫) વિશ્વકર્મા (૬) વાસુકીનાગ (૭) ધનવંતરી વૈદ (૮) બટુક ભૈરવ (૯) સુખનાથનો સિંહ (૧૦) જોગણીઓ (૧૧) મેનકા અપ્સરા (૧૨) પરીઓ (૧૩) ગાંધર્વ યુગલ (૧૪) વાદ્ય સમૂહ (૧૫) ગાંધર્વો (૧૬) નૃત્યાંગનાઓ (૧૭) બે ચોકીદાર (૧૮) દ્વારપાળ (૧૯) સેવિકાઓ (૨૦) આંબો (૨૧) વડ (૨૨) કળશ (૨૩) પાટ (૨૪) સૂર્ય (૨૫) ચંદ્ર (૨૬) વીર (૨૭) સાખીયા
આમ માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં સત્ય સનાતન ધર્મની ધારાને અનુસરીને, તેને આવરીને શ્રી રામદેવપીર બાપાના દેવળનું નિર્માણ થયું. શ્રી રામદેવપીર બાપાની આજ્ઞા મેળવીને તેમાં અનંત અકળ કળાઓનો સમન્વય કરવામાં આવ્યો છે કે જેની જ્ઞાની કે અનુભવીને જ ગમ પડી શકે છે. બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ શ્રી બળદેવદાસ મહારાજના સાનિધ્યમાં, તેમની દેખરેખ અને માર્ગદર્શન નીચે તેમના હસ્તક આ અતિ દિવ્ય, રમણીય અને કલાત્મક બાવનગજના ગજપીઠ શ્રી રામદેવપીર બાપાના દેવળનું નિર્માણ થયું છે તેમાં ચારે જુગનું ધર્મનું અનુસંધાન સંકળાયેલું છે. દેવળ માટે કોઈ ફંડ ફાળો કે ઉઘરાણું કરવામાં નથી આવ્યું. શ્રી રામદેવપીરના વચનનો પ્રતાપ છે.
આ દિવ્યદેવળ જ્યારે પૂર્ણતાના આરે હતું ત્યારે દેવળમાં બીરાજીત થનાર રણુજાના રાય પીર રામદેવજી મહારાજની મૂર્તિ રાજસ્થાનના જયપુર શહેરમાં બનાવવાનું નક્કી થયું. પીર રામદેવજી મહારાજના અહીં કાયમી બેસવાના વચન અનુસાર તેમની આસનવાળી બેઠેલ મૂર્તિ બનાવવાનો નિર્ણય થયો. કબીર સાહેબનું જે રીતે આસન છે તેવા આસનવાળી મૂર્તિ બનાવવાનું સદ્ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે નક્કી કર્યું. એ આસનમાં કરામત અને રહસ્ય સમાયેલું છે. અનુભવી પુરુષો એનો ખ્યાલ મેળવી શકે.
શ્રી બળદેવદાસ મહારાજે શ્રી રામદેવ પીર બાપાની આરસની મૂર્તિ ઉપરાંત અન્ય આઠ મૂર્તિઓની સ્થાપના કરવાનું સૂચન કર્યું. એ મૂર્તિઓના નામ નીચે પ્રમાણે છે :
(૧) હરજી ભાટી (૨) ડાલીબાઈ (૩) સગુણાબેન (૪) ભાણેજ ગગુભા (૫) ગણપતિ (૬) ગરુડજી (૭) કાળભૈરવ (૮) હનુમાનજી
જયપુરમાં તૈયાર થયેલી મૂર્તિઓની પધરામણી પીપળીમાં થઈ. સમગ્ર પીપળી ગામમાં એ મૂર્તિઓની શોભાયાત્રા નીકળી. સમગ્ર ગ્રામજનો તથા સેવકો અને દર્શનાર્થીઓ તેમાં આનંદ ઉલ્લાસપૂર્વક જોડાયા. બેન્ડવાજા, ઢોલ, અબીલ, ગુલાલ, સુગંધીત પુષ્પો દ્વારા ભક્તિસભર માહોલમાં આ શોભાયાત્રા પૂર્ણ થતા મૂર્તિઓ મંદિરના પ્રાંગણમાં દાખલ થઈ અને નકલંક આશ્રમમાં વિશ્રામ કર્યો.