પીપળીના પીર બાબા રામદેવ

શ્રી રામદેવપીર મંદિર — પીપળીધામ

  1. પોકરણ ગઢમાં પ્રાગટ્ય

    ભવ્ય સાંસ્કૃતિક વારસો અને પરંપરા ધરાવતો ભારત દેશ એ વિશ્વનો અતિ પ્રાચીન, પવિત્ર અને મહાન ધર્મપ્રધાન દેશ છે. તે ઘણી વિવિધતા, વિપુલતા અને વિશાળતા ધરાવતો ધર્મક્ષેત્રે ગૌરવવંતા ભૂતકાળની ભવ્ય ગાથા ધરાવતો ધન્ય દેશ છે. મહાપુરુષોએ ધરતીના નવખંડમાં ભારત ખંડને સૌથી કિંમતી મહાન અને પરમ હિતકારી કહ્યો છે. તેને મહામૂલા રત્નોની ખાણ તરીકે બિરદાવ્યો છે.

    આ પવિત્ર ભૂમિમાં રત્નસમાન જેવા અને જેટલા મહાપુરુષો પ્રગટ્યા છે તેવા અને તેટલા મહાપુરુષો બીજે ક્યાંય પ્રગટ્યા નથી અને સમયે સમયે પ્રગટ થતાં રહે છે. આ કાયાનગરીમાં પણ ગગનમંડળની ભૂમિકાને મહાપુરુષો ભારતખંડ કહે છે. એ ભૂમિકામાં પ્રકાશિત થઈ અનેક મહાપુરુષોએ વિશ્વને કલ્યાણકારી રાહ ચીંધ્યો છે અને ચીંધતા રહેશે.

    આ ભારતભૂમિમાં ભક્તોને આપેલ કોલ કરારના અનુસંધાને ધર્મ અને સંતોની રક્ષા કાજે સત્વગુણી વિષ્ણુ પરમાત્માના અવતારો થયા છે અને થતા રહે છે. આવા કોલ કરારના અનુસંધાને પીપળીધામમાં પ્રગટ દિવ્ય બાવનગજના દેવળમાં પોતાના રાજસિંહાસન પર બીરાજેલ પ્રગટ રણુંજાના રાય પીર રામદેવજી મહારાજનું આ લોકમાં થયેલું આગમન અતિ દિવ્ય અલૌકિક અને પરમ કલ્યાણકારી છે.

    પહેલેથી જ વિશ્વની આધ્યાત્મિક શક્તિના કેન્દ્રમાં રહેલા ભારત વર્ષની પશ્ચિમ ધરામાં રાજસ્થાનની ભૂમિ પર મારવાડ પ્રાંત આવેલો છે. પહેલાં ત્યાં પોકરણગઢનું રાજ્ય હતું. એ પોકરણગઢમાં તુંવરકુળના અજમલરાજા રાજ્ય કરતા હતા. આ પ્રદેશમાં ભૈરવો નામના રાક્ષસનો ખૂબ ત્રાસ હતો. તેની તાકાત અને શક્તિ એટલી હતી કે તેણે એ જ્યાં રહેતો હતો તે વિસ્તાર વેરાન કરી નાંખ્યો હતો. બાર બાર ગાઉ સુધી તેની હાક વાગતી હતી. એટલા વિસ્તારમાં માનવ, પશુ, પક્ષી સર્વેનો એ આહાર કરતો અને પરિણામે એ ભૂમિ પર કોઈ રહેતું નહી, રહી શકતું નહીં. સાધુસંતો પણ એના ત્રાસ અને તાપથી મુક્ત રહ્યા ન હતા. સર્વને તે સંકટરૂપ હતો. આથી આ ભૂમિને ભૈરવોના ભયમાંથી ભયમુક્ત કરાવવા સંતો હરદમ પરમાત્માને પ્રાર્થના કરતા હતા.

    ઉપરાંત એ સમયમાં વિધર્મી ધર્માંધ શાસકો દ્વારા ધર્માંતર અને વટાળની પ્રવૃત્તિ પણ પાંગરી હતી. આથી સ્વ-ધર્મને જાળવવો, સાચવવો, ટકાવવો મુશ્કેલ હતો. આ સમયે હરેક આત્માનો પોકાર હતો કે, 'પ્રભુ, હવે આપ જલ્દી પધારો, કપરો સમય છે તો વાતાવરણને અનુકૂળ બનાવવા તથા ધર્મ અને સંતોની રક્ષા માટે આપ અવતાર ધારણ કરો....'

    પ્રજાનો પોકાર હતો. સાધુસંતો અને સજજનોનો પ્રભુને સાદ હતો. પરમાત્માએ ધર્મકાજે અને સંતોની રક્ષા માટે અવતાર ધારણ કરવાનું વચન આપેલું છે. પોતાના વચન અનુસાર સુપાત્રને નિમિત્ત બનાવી, કોઈ કારણ ઉપસ્થિત કરીને, નિમિત્તનું નિર્માણ કરીને તેઓનું આગમન થતું જોવા મળે છે. એમને આવવાનું હોય, પ્રગટ થવાનું હોય એટલે એ સમયનું વાતાવરણ અને સમય સંજોગ પણ એવા સર્જાઈ જતા હોય છે.

    પોકરણગઢના રાજા અજમલજીને કોઈ સંતાન ન હતું. તેમના ધર્મપત્નીનું નામ મીણલદે હતું. બંને ખૂબ ધાર્મિક અને સંસ્કારી હતા. કહેવાય છે કે તેઓ નંદ-જશોદાના અવતાર હતા. ભારતીય સમાજમાં લગ્ન પછી જો ઘણો સમય વ્યતીત થાય અને બાળક ન થાય તો તેને વાંઝીયા કહે છે અને વાંઝીયા હોવું એ જાણે સમાજનો એક પ્રકારનો અપરાધ બની જાય છે. એને વાંઝીયામેણું લાગુ થઈ જાય છે. લોકો તેના શુકન લેતા નથી. લોકો જો શુભકાર્ય માટે પ્રયાણ કરતા હોય અને આવા વાંઝીયા લોકો સામે મળે તો તેને અપશુકન ગણી નિરાશ થાય છે અને મનમાં તેના પ્રત્યે તિરસ્કારની લાગણી પેદા થાય છે.

    અજમલરાય પણ એમાંથી બાકાત રહી શક્યા નહી. પ્રજામાં સળવળાટ હતો. જો કે પોતાનો સંસ્કારી રાજા નિઃસંતાન હોવાનું પ્રજાને પણ દુઃખ તો લાગતું હતું. છતાં પણ લોકોમાં અસંતોષ વ્યાપક દેખાતો હતો. પ્રજા કટુવચનો પણ ઉચ્ચારતી. તેમના કોઈ શુકન લેતું નહીં. પ્રજાના અવિવેકી અને અપમાનજનક શબ્દો અજમલજીના કાને પડ્યા. તેમના હૃદયને ખૂબ ઠેસ પહોંચી. મનોમન ખૂબ દુઃખી થયા. ભીતરમાં ખૂબ હતાશા વ્યાપી ગઈ.

    તેમણે આનો ઉકેલ અને ઉપાય પોતાના ગુરુ મહારાજને પૂછ્યો. ગુરુ મહારાજે તેમને હૈયાધારણ આપી પ્રેમથી ઉપાય બતાવતા કહ્યું કે, 'તમો દ્વારકાધિશના દર્શને જાવ અને તેમને ગમે તેમ કરીને રીઝવો, જો તમારી શુદ્ધ ભાવના અને ભક્તિ હશે તો એ રીઝશે અને જરૂર આનો રસ્તો સૂચવશે દ્વારકાના નાથ નિવાજશે તો કાર્ય સફળ બનશે અને તમારું વાંઝીયામેણું ટળશે. પછી જેવો તમારો વિશ્વાસ, જેવી તમારી ભાવના અને જેવુ તમારું ભાગ્ય...'

    આ વાતચીત અને માર્ગદર્શનના અનુસંધાને અજમલરાયે દર પૂનમે દ્વારકા જવાનું નક્કી કર્યું. હવે વિચાર કરો કે ક્યાં મારવાડ પ્રાંતનું પોકરણગઢ અને ક્યાં દ્વારકા ! એ સમયે વાહનવ્યવહારની આધુનિક સગવડતાના અભાવમાં એ બંને વચ્ચે કેટલું બધું અંતર કહેવાય ! પણ હવે એ અંતર ભાંગી જવાનું હશે કે જેથી તેમને દર પૂનમે દ્વારકા જવાનો સંકલ્પ થયો. દર મહિને આવું લાંબુ અંતર કાપવું એ જમાનામાં કેટલું કઠિન અને મુસીબતરૂપ હશે ! આજે તો ઝડપી વાહનવ્યવહાર એટલો બધો છે કે સવારે જઈને સાંજે પાછા આવી શકાય. જ્યારે એ સમયે તો દિવસો નીકળી જતાં. છતાં એક દૃઢ સંકલ્પ હતો.

    તેમણે મનોમન નક્કી કર્યું કે દર પૂનમે જવું અને જો વાંઝીયામેણું ન ટળે તો ત્યાં જ પ્રાણત્યાગ કરવો પણ પોકરણગઢ પાછા ન આવવું.

    આમ દર પૂનમે નિયમ મુજબ અજમલરાય દ્વારકાધિશના દર્શને જવા લાગ્યા અને તેમને પોતાનું વાંઝીયામેણું ટાળવા આજીજી કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા. દર પૂનમે આ રીતે જઈ તેમણે ઘણાં આંટાફેરા કર્યા પણ તેમાં તેમને કોઈ સફળતા દેખાતી ન હતી અને તેમની જે ધીરજ એ ધીરજનો અંત આવતો હતો. તેમનાથી હવે વધુ સમય આ સહન થઈ શકે તેવું ન હતું. તેમની સહનશીલતાની હદ આવી ગઈ હતી.

    હવે એમની ભીતરનો સમય પૂર્ણ થવા આવ્યો હતો. પરમાત્માના આગમનનો સમય હવે સર્જાઈ ચૂક્યો હતો અને એના ફળસ્વરૂપે અજમલજીના હૃદયમાં ખૂબ બેચેની વ્યાપી. તેમણે આખરે સંકલ્પ કર્યો કે હવે આ વખતે એ જો મારી આજીજી ન સાંભળે તો છેવટે ત્યાં પ્રાણત્યાગ કરવો પણ પાછા પોકરણગઢ ન જવું.

    આમ મનોમન દૃઢ નિશ્ચય કરી તેઓ પોતાનો દ્વારકાનો આ છેલ્લો ફેરો માની દ્વારકા જવા નીકળ્યા. પૂનમના દિવસે તેઓ દ્વારકાધિશના મંદિરે આવ્યા. દ્વારકાધિશ સન્મુખ જળની ઝારી ભરી ઉભા રહ્યા અને પ્રાર્થના, સ્તુતિ, વંદના કરવા લાગ્યાં. પોતાની ઘણી પ્રાર્થના વિનંતી, ઉત્કંઠા, ભાવ અને પ્રેમ હોવા છતાં દ્વારકાધિશ કંઈ જ સાંભળતા નથી. એ સમયે તેમને મનમાં ખૂબ ક્રોધ પેદા થયો અને તેઓ ખૂબ જ વિહ્વળ બની ગયા. મનમાં એક જ ધ્યેય અને વિચાર હોવાથી ક્રોધ અને આવેશમાં તેમને પોતાનું ભાન ન રહ્યું. ખ્યાલ ન રહ્યો અને 'તમે મારું કેમ કંઈ સાંભળતા નથી...' એમ કહીને દ્વારકાધિશની મૂર્તિ સમક્ષ જળની ભરેલી ઝારીનો છૂટો ઘા કર્યો. આ દૃશ્ય ત્યાં ઉભેલા પૂજારી જોઈ ગયા અને તેઓ ગભરાઈ ગયા. તેમણે તરત જ અજમલજીનો હાથ પકડીને કહ્યું કે, 'આપે આ શું કર્યું ? દ્વારકાધિશ સાથે આવો અવિવેક થાય ?' એ સમયે અકળામણમાંને અકળામણમાં તેમણે જવાબ આપ્યો, 'આમ ન કરું તો શું કરું ? તેઓ મારું કંઈ સાંભળતા જ નથી. મેં કષ્ટ વેઠીને કેટલાંય આંટાફેરા કર્યા છતાં પણ તેઓ મને કોઈ જ જવાબ આપતા નથી...' પૂજારીએ આ માણસને અહીંથી દૂર કરવા યુક્તિ વાપરીને કહ્યું કે, 'અસલ દ્વારકા તો સમુદ્ર મોઝાર છે, તે સાવ સોનાની છે અને ત્યાં પાણીમાં દ્વારકાધિશ બિરાજમાન છે. તમો ત્યાં જાવ તો ત્યાંથી તમારી મનોકામની પૂર્ણ થશે. અહીં તો લોકોની જિજ્ઞાસા અને ઈચ્છા સંતોષવા તેમની મૂર્તિ પધરાવી છે. આથી જો તમે અસલ દ્વારકા જોવા ઈચ્છતા હો અને દ્વારકાધિશના દર્શન કરવા માગંતા હો તો આ દેવળના પાછળના ભાગમાં તે પાણીમાં છે ત્યાં જાવ...' આમ કહીને પુજારીને હાથ દ્વારા નિશાની કરી તે સ્થળ બતાવ્યું. પુજારીની વાત સાંભળી બીજું કંઈપણ વિચાર્યા સિવાય એક જ લવ અને ભાવાવેશમાં અજમલજીએ એ સ્થળ તરફ દોટ મુકી અને નિર્ભયતાપૂર્વક એ સમુદ્રમાં કુદી પડ્યા. પુજારીએ તો આવી કલ્પના પણ નહીં કરી હોય કે ખરેખર આમ બનશે.

    પરમાત્મા તો સર્વ શક્તિમાન છે. એક પલમાં તે ધારે તે કરી શકે એવું સામર્થ્ય છે. અજમલજીએ જેવો પાણીમાં ભૂસકો માર્યો કે તરત જ વિષ્ણુરૂપ દ્વારકાધિશને ખ્યાલ આવી ગયો અને એક પલમાં પોતાની માયાવી શક્તિથી અજમલજીને જિજ્ઞાસા અને ઈચ્છાને સંતોષવા સોનાની દ્વારકાનગરી સમુદ્રમાં ખડી કરી દીધી. બધાં જ પ્રકારની સુવિધા અને સુખ સાહ્યબી ખડી કરી દીધી. નગરી જોતાં જ અજમલજી આશ્ચર્યચકિત થઈ ગયા. તે ભગવાનના આલીશાન મહેલે આવ્યા અને તેમાં દાખલ થયાં. દાખલ થતાં જોયું તો દ્વારકાધિશ રણછોડરાય હીંચકા પર આરામથી બેઠા હતા.

    દ્વારકાધિશના સન્મુખ દર્શન થતાં જ તેઓ તેમના ચરણોમાં નમી પડ્યા. ભાવાવેશમાં આંખમાં અશ્રુ આવ્યા. દ્વારકાના નાથે તેમનો હાથ પકડ્યો અને ઉભા કરી બાથમાં લઈ તેમને પોતાના હીંડોળા ખાટ ઉપર બેસાડ્યા. ખુદ પરમાત્મા જ્યારે હાથ ઝાલે ત્યારે કંઈ બાકી રહે ખરું ! એ માનવી કેટલો ભાગ્યશાળી કહેવાય !

    હવે આ સમયે અજમલરાયની દૃષ્ટિ પ્રભુના લલાટ ઉપર ગઈ. તેમણે જોયું તો કપાળે પાટો બાંધેલો હતો. અજમલજીને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું કે, 'હે નાથ ! આપણા કપાળે પાટો ! શું વાગ્યું છે ?' દ્વારકાધીશે મુખ મલકાવતાં મલકાવતાં મરક મરક હસતાં હસતાં પ્રેમથી કહ્યું કે, 'મારા એક ભક્તે પોતાની મનોકામના સફળ ન થતાં અધીરા થઈને, અકળાઈને મને જળ ભરેલી ઝારી ફટકારી છે. જેથી કપાળમાં થોડું વાગ્યું છે, એટલે પાટો બાંધ્યો છે. હું એ વખતે મૂર્તિમાં જ હતો. પણ પુજારીએ અહીંનું સૂચન કર્યું એટલે મારે એ મંદિરમાંથી મારા ભક્તની આકાંક્ષા સંતોષવા અને દર્શન દેવા અહીં આવવું પડ્યું...

    તરત જ અજમલરાયને વિચાર કરતાં યાદ આવ્યું કે એ ઝારી તો પોતે જ ફટકારી હતી. આથી તેમને ખૂબ પસ્તાવો થયો અને રડતાં રડતાં ક્ષમા માંગી. દ્વારકાધિશે અજમલજીને સાંત્વના આપતા અને ભક્તના પ્રેમનું મહત્ત્વ વધારતા કહ્યું કે, 'ચિંતા ફીકર કરશો નહીં, દુઃખી ન થશો. તમે તમારો હાથ પ્રેમથી મારા કપાળે ફેરવી દો એટલે મને મટી જશે...' ભગવાન તો ભક્તના પ્રેમને આધિન હોય છે. અજમલજીએ પ્રેમથી પ્રભુના કપાળે હાથ ફેરવ્યો. હાથ ફરતાં જ પરમાત્માએ પાટો છોડી નાંખ્યો અને જોયું તો ઈજાના કોઈ ચિહ્નો દેખાતાં ન હતા.

    પરમાત્મા તો બધુ જ જાણતા હતા અને જાણતા જ હોય છે. પણ એ માનવ સહજ ચેષ્ટાને અપનાવતા હોય છે. તેમને અજમલજીને આ ખાતરી કરાવવા અને સત્યતા નક્કી કરાવવા આવું નાટક કરી પાટો બાંધેલો.

    ત્યારબાદ દ્વારકાધીશે તેમને પૂછ્યું કે, 'બોલો શા માટે પધાર્યા છો ?' અજમલજીએ પોતાની મનોવ્યથા રજૂ કરતાં જવાબ આપ્યો કે, 'હે ચૌદ લોકના નાથ ! મારે બાળક નથી. હું નિઃસંતાન છું મારી પ્રજાના અવિવેકી અને અપમાનજનક શબ્દો સહન થતાં નથી. તો કૃપા કરી આપ મારું વાંઝીયામેણું ટાળો...'

    અજમલરાયના આજીજીભર્યા શબ્દો સાંભળતા દ્વારકાધીશે તેમને ધીરજ આપીને વચન આપતા કહ્યું કે, 'જાવ તમારે ત્યાં એક વર્ષ પછી પુત્ર જન્મ થશે. તેનું નામ તમે વડા વીરમદે રાખજો. બસ આટલું યાદ રાખજો...'

    આ વાત સાંભળતા આપેલા વચનના શબ્દો પર તેમને તરત વિચાર આવ્યો. રાજા હોય એટલે બુદ્ધિનું પરાક્રમ પણ હોય. તેમણે વડા વીરમદે આ શબ્દનો વિચાર કર્યો. તેમને થયું કે જો વડા તો છોટા કોણ ? તેમણે પોતાની મૂંઝવણ અને શંકા દૂર કરવા તરત જ દ્વારકાધીશને કહ્યું, 'પ્રભુ, વડા વીરમદે તો છોટા કોણ ?' આથી દ્વારકાધીશ બીજું વચન આપતા કહ્યું કે, 'જ્યારે વડા વીરમદે સવા મહિનાના થશે ત્યારે હું પોતે સ્વયં ઈચ્છાથી ત્યાં પધારીશ અને પારણામાં પોઢીશ. એની નિશાની તરીકે એ ઓરડામાં કંકુના કુમ કુમ પગલાં પડશે. જો કુમકુમ પગલાં દેખાય તો માનજો કે ખુદ દ્વારકાધીશ પોતે પધાર્યા છે. તમે મારું નામ રામદે રાખજો...'

    હવે અહીં પ્રશ્ન એ છે કે એક પુરૂષે અજમલજીને બે વચન શા માટે આપ્યો ? શું એક જ પુત્રથી વાંઝીયામેણું ન ટળી શકે ? આ બાબત એમનાથી કંઈ અજાણી હશે ! અને બીજું કે પોતે સામે ચાલીને અજમલજીને ત્યાં પધારવાનું બીજું વચન આપીને સ્વ-ઈચ્છાએ અજમલજી સાથે વચનથી બંધાયા છે. એમને અજમલજીએ વચનથી બાંધ્યા નથી, પણ ખુદ બંધાયા છે. તો પછી વીરમદે કોણ ? માનવકક્ષાની વ્યક્તિ આ બાબતનો નિર્ણય લઈ શકે નહીં.

    આ બાબતને અકળ કળા કહેવાય. આ બાબત ખૂબ ભેદી છે અને એના ભેદને મહાપુરુષો જાણતાં હોય છે. વર્ષો વીતી જાય તો પણ બીજો કોઈને આનો ખ્યાલ આવી શકે તેમ નથી. વાણીરૂપી ટંકશાળી નાણું ભરપૂર છે, પણ માલમી તેને જાણી શકે છે. જ્યારે વ્યાપક શક્તિનું અનુસંધાન થાય છે ત્યારે આવી ઘટના નિર્માણ પામે છે.

    મહાપુરુષો ધર્મની મરજાદા રાખીને જ્ઞાન કરતાં હોય છે. વેદનીતિ, ધર્મનીતિ, રાજનીતિ અને ન્યાયનીતિ આ ચારેયને બરાબર જાળવીને જ વાત રજૂ કરાય. એમની જ્ઞાનની વાર્તા અધિકારી પુરુષો માટે જ હોય છે. સંતપુરુષો વેદની મર્યાદા જાળવીને જ વાત કરતાં હોય છે.

    અજમલજીને ચૌદ લોકના નાથે પુત્ર તરીકે પધારવાનું વચન આપ્યું. અજમલજીના હૃદયમાં અત્યંત ઉમાવો થાય છે. આનંદવિભોર બની જાય છે. હવે તેમને વિચાર આવે છે કે આ પાણીમાંથી બહાર કેવી રીતે નીકળવું ? દ્વારકાધીશે તેમની મનોદશાને સમજીને કહ્યું કે, 'તમે જેને ઝારી ફટકારી છે તેનું ધ્યાન ધરો તો તમે જ્યાંથી આવ્યા ત્યાં પહોંચી જશો. જ્યાંના ત્યાં પહોંચી જશો...'

    દ્વારકાધીશના શબ્દોને અમલમાં મૂકી તેમણે દ્વારકાધીશની એ મૂર્તિનું આંખો મીંચી ધ્યાન ધર્યું. થોડીવારમાં જ તેઓએ જોયું તો પોતે પાણીની બહાર કિનારે બેઠેલા હતા. પરમાત્માની અજાયબ શક્તિનો તેમને અનુભવ થયો. તેમણે જે જોયેલું તે ચિત્તમા રમે છે. એ બાબત ચિત્તમાંથી અળગી થતી નથી. હૃદયમાં આનંદનું વાતાવરણ છે.

    દ્વારકાધીશનું વચન મેળવીને મંદિરમાં દર્શન કરી તેઓ પોકરણગઢ આવ્યા. તેમણે મીણલદે ને વાત કરતાં કહ્યું કે, 'આ વખતે મને ખુદ દ્વારકાધીશના દિદાર થયા. તેમણે વચન આપ્યું છે કે આપણું વાંઝીયામેણું ભાંગશે. આપણે ઘેર પુત્ર જન્મ થતાં પારણું બંધાશે...'

    આ વાત સાંભળી મીણલદે અતિ હર્ષ પામ્યા. આ પછી તેમનો સમય આનંદ કિલ્લોલ અને પ્રભુભક્તિમાં પસાર થવા લાગ્યો. વચનના અનુસંધાને મીણલદેને સારા દિવસો દૃષ્ટિગોચર થયા. નગરમાં પણ આ શુભ સમાચાર પ્રસરતા લોકોમાં આનંદ વરતાવા લાગ્યો. ત્યારબાદ પરમાત્માના દીધેલ વચન અનુસાર બરાબર એક વર્ષે મીણલદેની પવિત્ર કૂખે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આ મંગલ સમાચાર વાયુવેગે પોકરણગઢ અને આજુબાજુના વિસ્તારમાં પ્રસરી ગયા. પ્રજાજનોમાં અત્યંત ઉલ્લાસનું મોજું ફરી વળ્યું. નગરમાં મંગળગીતો ગવાવા માંડ્યા. લોકોએ રાજકુમારનો જન્મ થતાં એ પ્રસંગની રાજ્યના એક મહાન ઉત્સવ તરીકે ઉજવણી કરી. રાજમહેલમાં પણ મંગળ વર્તાઈ રહેલ છે. અજમલજીએ પુત્ર જન્મની ખુશાલીમાં નગરમાં ખારેક વહેંચી. આ પુત્રનું નામ દ્વારકાધીશે સૂચવ્યા મુજબ વીરમદે રાખવામાં આવ્યું.

    વીરમદેનો જન્મ થતાં અજમલરાયનું કાળી ટીલી સમાન વાંઝીયામેણું ભાગ્યું. આમને આમ આનંદ કિલ્લોલમાં સમય પસાર થવા લાગ્યો. વીરમદેના જન્મને સવા મહિનો થયો ત્યારે દ્વારકાધીશ, ચૌદલોકના નાથ, ખુદ પરમાત્મા પોતે પોતાના વચન અનુસાર બાળ સ્વરૂપે પધાર્યા અને વીરમદેના પારણામાં તેમની બાજુમાં આવીને પોઢ્યા. આ વખતે માતા મીણલ દે કંઈક કામસર બહાર ગયેલા અને રાજભોગ માટે ચૂલા ઉપર દેગ મૂકેલી.

    દેગ ઉકળતાં તેમાં રહેલું દૂધ ઉભરાવા માંડ્યું. એ સમયે ત્યાં કોઈ હાજર ન હતું. આથી પારણામાં આવીને પોઢેલ બાળસ્વરૂપી દ્વારકાધીશે પોતાનો હાથ પારણાંથી લંબાવીને એ ઉકળતી દેગ ચૂલા ઉપરથી નીચે ઉતારી દીધી. આ રીતે પોતાના દિવ્ય આગમનનો સંકેત અને પરચો આપી દીધો. તેઓ જ્યારથી પારણે આવીને પોઢ્યા ત્યારથી તેમની આંતરિક શક્તિનો પ્રકાશ, પ્રભાવ અને તાકાત ફેલાવા લાગ્યા.

    થોડીવાર બાદ મીણલદેને અચાનક યાદ આવ્યું કે પોતે ચૂલા ઉપર દેગ મુકીને આવ્યા છે અને ઉતારવી ભૂલી ગયા છે. આથી તેઓ ઉતાવળે-ઉતાવળે એ ઓરડામાં આવ્યા. આવતા જ તેમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. તેમણે ઉકળતી દેગ ચૂલા ઉપરથી નીચે ઉતારેલી જોઈ. તેમને ખૂબ નવાઈ લાગી. એ વખતે બાળ સ્વરૂપી પ્રભુએ વીરમદેને લાત મારી એટલે વીરમદે રડવા લાગ્યા. રડતા વીરમદેને હીંચકો નાંખવા મીણલદે પારણા પાસે આવ્યા. તેમણે જોયું તો પારણામાં બે બાળકો સૂતાં છે. તેમને ઘણી નવાઈ લાગી કે એકમાં બે કેમ ? આ બીજું બાળક કોણ ? આમ વિચાર કરે છે ત્યાં તેમણે જોયું તો ઓરડામાં કંકુના કુમકુમ પગલાં પડેલા દેખાયા. આથી તેઓને મનમાં ગભરામણ થઈ કે આ શું ?

    તેમણે અજમલજીને આ ખબર પહોંચાડવા દાસીઓને મોકલી. સમાચાર સાંભળતાં જ અજમલજી ત્યાં આવ્યા. મીણલદે એ કહ્યું કે, 'આ વીરમદેના પારણામાં આ તેજસ્વી બાળક ક્યાંથી આવીને પોઢી ગયું ? ઉપરાંત આખા ઓરડામાં કંકુના કુમકુમ પગલા દેખાય છે તો મને આમાં કંઈક વહેમ જાય છે અને કૌતુક સર્જાયુ હોય એમ લાગે છે. તેથી ગભરામણ થાય છે.'

    પારણીયામાં બીજા બાળકને જોતાં જ અજમલરાયને દ્વારકાધીશના વચનની યાદ તાજી થઈ. તેમની આંખો હર્ષથી ભીની બની. તેમણે ખૂબ પ્રેમ અને પૂજ્યભાવથી એ બાળકના ચરણને ચુંબન કર્યું અને સૌ પ્રથમવાર 'રામદે' એવા શબ્દનો ઉચ્ચાર કરીને બોલાવ્યા. દ્વારકાધીશે એમ કહ્યું ન હતું કે હું પીર રામદે તરીકે જન્મ લઈશ. પણ હું સવા મહિને પારણામાં આવીને પોઢું ત્યારે રામદે નામ રાખજો એમ કહ્યું હતું અને આ શબ્દ પરંપરાનો છે.

    મીણલદેને આમાં કાંઈ જ સમજ ન પડી. તેઓ આશ્ચર્યથી આ દૃશ્ય જોઈ જ રહ્યા. તેમણે અજમલજીને કહ્યું કે, 'તમારી આ ચેષ્ટા અને વાતને હું સમજતી નથી. તો શું હકીકત છે તે મને જણાવો...'

    અજમલરાયે આજ સુધી પોતાના હૃદયમાં સંઘરી રાખેલી અને યાદ તાજી થતાં એ રહસ્ય ખુલ્લું કરતા જણાવ્યું કે, 'વીરમદે પછી સવા મહિને પારણામાં આવીને પોઢ્યા છે તે ખુદ દ્વારકાધીશ પોતે છે. તેઓ સ્વઈચ્છાથી આવીને પોઢ્યા છે. આપણા ઉત્તમ ભાગ્ય છે કે આપણે ઘેર ચૌદલોકના નાથ પધાર્યા છે. તેમણે દ્વારકામાં મને દર્શન આપીને વચન આપેલું કે હું તમારે ત્યાં પધારીશ અને ત્યારે કંકુના કુમકુમ પગલાં પડશે. આ કંકુના કુમ કુમ પગલાં એ તેમણે આપેલ નિશાની છે. મેં આ બાબત આજ સુધી તમારાથી છૂપાવી રાખી હતી. એ આપણું આંગણું પાવન કરવા અને આપણો જન્મારો સફળ બનાવવા પધાર્યા છે. તો હવે તમે આ વાત કોઈને પણ કહેશો નહી અને મર્યાદાનું પાલન કરીને તેમને આપણા પ્રાણ સમાન સાચવવા એ આપણી ફરજ છે.

    આ શબ્દો સાંભળતાં મીણલદે અતિ આનંદ પામ્યા અને તેમના નેત્રમાંથી પ્રેમના આંસુ ઢળી પડ્યા. તેમણે એ બાળકને લઈ ખૂબ પ્રેમ દાખવ્યો અને બોલ્યા કે, 'વાહ પ્રભુ ! એક રાંકના ઘેર પધાર્યા. અમે ભલે રાજવી છીએ. છતાં રાંક છીએ. કારણ કે અમારા મુખારવિંદના દિદાર કરવા આ પ્રજા ખુશી ન હતી. અમારા કોઈ શુકન લેતું નહતું. અમારી કોઈ કિંમત ન હતી. આજે અમારા ખૂબ ધન્ય ભાગ્ય છે કે અમ રાંક ઉપર રહેમ કરી અને પધારીને કૃપા કરી...'

    આ સમયે રામદેવજી મહારાજે વાણી ઉચ્ચારી કે, 'હવે તમારું કામ પરિપૂર્ણ બની ગયું. જીવન ધન્ય બની ગયું. હવે તમારે પરલોક માટે કંઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. કારણ કે અમે બંને બાંધવા આપને ત્યાં પધાર્યા છીએ. પૂર્વની કોઈ ગ્રંથીથી આ શક્ય બન્યું હશે કે જેથી અમારે સામે પગલે તમારે ત્યાં આવવું પડ્યું. તમારા ખૂબ ધન્ય ભાગ્ય છે. હવે કંઈપણ ચિંતા ફીકર કરશો નહી અને મોજ કરો...'

    આ વાત પણ કેટલી સચોટ અને સત્ય છે. ખુદ પરમાત્મા સામે ચાલીને જેના ઘેર પધારે તેને કોઈ ફીકર હોય ખરી ! તેને કોઈ વાતની કંઈ કમી હોય ખરી ! તેને પોતાના આત્મકલ્યાણ માટે કંઈ કરવાનું બાકી રહે ખરું !

    પીર રામદેવજીના મુખેથી ઉચ્ચારેલ શબ્દો સાંભળીને અજમલજીએ મીણલદેને કહ્યું કે, "હવે મૌન રહેવાની જરૂર છે. હવે તો બસ એટલું જ મનમાં રાખવાનું કે આપણે ત્યાં ચૌદલોકના નાથ પુત્રરૂપે પધાર્યા છે અને આપણા મનની ભીડ ભાંગી છે...'

    ભક્ત બોડાણાજીએ હાથમાં તુલસી વાવીને દ્વારકાના ઘણા આંટાફેરા કર્યા ત્યારે માંડમાંડ મેળ પડેલો અને દ્વારકાથી ડાકોર પધાર્યા હતા. એ રીતે અજમલજીએ પણ પોતાની મનવાંછિત ઈચ્છા પરિપૂર્ણ કરવા સામાન્ય માનવીની જેમ જ દ્વારકાના ફેરા કરેલા ત્યારે ચૌદ લોકના નાથ પધાર્યા.

    આમ, સંતોનો અને હજારો આત્માઓનો પોકાર સાંભળી ભૈરવોનો ત્રાસ દૂર કરવા તથા ધર્મ અને સંતોના રક્ષણ માટે અજમલજીના વાંઝીયામેણાને નિમિત્ત બનાવી તેમને ત્યાં પીર રામદેવ તરીકે પોતે પધાર્યા. અજમલરાય માટે વાંઝીયામેણાની બાબત ખરાબ હતી પણ એ મહેણું તેમને લાભદાયી નીવડ્યું, આશીર્વાદરૂપ બન્યું. બાબત ખરાબ પણ પરિણામ ઉત્તમ. માણસ માટે ઘણીવાર ખરાબ કે આફતરૂપ બાબત દેખાતી હોય છતાં એવું પણ બની શકે કે એની પાછળ સારું પણ રહેલું હોય.

  2. ભૈરવાને ભોંયરામાં ભંડાર્યો

    રણુંજાના રાય પીર રામદેવજી મહારાજે પોતાના જીવન સમયમાં, પોતાના અવતારી કાર્યમાં ઘણા પરચા આપ્યા છે અને પીરાણાનો પરિભાવ આપ્યો છે તેમણે પ્રગટ થતાં જ ઉકળતી દેગ ઉતારી પરચાના પરિભાવની શરૂઆત કરી દીધેલી. પણ પછી સમજીને પોતાની માયા શક્તિથી માત-પિતાના હૃદયમાં પોતાની દિવ્યતાને ભૂલાવી દરેકને હોય એવા પુત્રપ્રેમની ભાવના પેદા કરી દીધેલી.

    પીર રામદેવજી ભૈરવા રાક્ષસનો ત્રાસ દૂર કરવા અને તેને સંહારવા પધાર્યા હતા. આ ભૈરવો રાક્ષસ બાવા બાળનાથનો શિષ્ય હતો. તેણે બાર બાર ગાઉ સુધીની જમીન ઉજ્જડ કરી નાંખી હતી.

    હવે ભૈરવા રાક્ષસનો સમય સમાપ્ત થવાની ઘડી આવી ગઈ. એક વખત રામદેવજી અને વીરમદેવજી સાંજના સમયે ગેડી દડો રમવા નીકળ્યા. બાળ સાથી મિત્રોની ટોળી બનાવી તેઓએ ગેડી દડાની રમત શરૂ કરી. આની સાથોસાથ ભૈરવાના સંહાર માટેની રમત પણ શરૂ થઈ ચૂકી. રમતમાં એવી શરત કરેલી કે જે કોઈના હાથે દડો ભૈરવાની હદમાં જાય તો તે દડો તેણે જઈને લઈ આવવો. રમતાં રમતાં રામદેવજીએ હેતુપૂર્વક દડાને ખૂબ દોટાવ્યો અને એવા જોરથી ગેડી મારી કે દડો ભૈરવાની હદમા ગયો. બાવા બાળનાથ ત્યાં રહેતા હતા. તેમની કુટિર નજીક ભૈરવાનું રહેઠાણ હતું. દડો ત્યાં ગયો. હવે શું કરવું ? રામદેવજીએ કહ્યું કે, 'તમે બધા ઉભા રહો, હું દડો લઈને પાછો આવું છું..' બધાએ ભૈરવાના ડરના કારણે ના પાડી. પણ આતો પીર રામદેવ. રામદેવજીએ કોઈનું માન્યું નહીં અને ભૈરવાની હદમાં દોટ મુકી. તેમને ડર તો હતો નહીં. તેઓને તો ખબર જ હતી. આજે તેઓ પોતાની કાર્યવાહી સફળ બનાવવા આવ્યા હતા.

    પીર રામદેવ બાવા બાળનાથની કુટિરે આવ્યા. બાવા બાળનાથ મોડી સાંજના સમયે આ બાળકને અહીં જોઈ ગભરાયા. તેમણે કહ્યું, 'હે બાળક, તું કોણ છે ? અહીં શા માટે આવ્યો છે ? તને ખબર નથી કે અહીં હમણાં ભૈરવો રાક્ષસ આવશે તો તને મારી નાંખશે ?' કિશોર રામદેવજીએ જવાબ આપ્યો કે, 'આપ તો મહાપુરુષ છો. અમો ગેડી દડો રમતા હતા અને ભૂલથી મારા હાથે એ દડો અહીં આવ્યો છે. અમારી શરત મુજબ એ દડો મારે લાવી આપવાનો છે. એટલે હું દડો શોધવા આવ્યો છું. આપ જેવા મહાપુરુષના શરણે હોઉં પછી મને શો ડર હોય' બાવા બાળનાથ તો આ સાંભળી જ રહ્યા. તેમને આ બાળક કોઈ અસાધારણ હોય એમ લાગ્યું. એવામાં ભૈરવાના આગમનના ચિહ્નો દેખાયા. વાતાવરણમાં કોલાહલ મચી ગયો. બાવા બાળનાથે ભૈરવાથી બચાવવા માટે રામદેવજીને પોતાની કુટિરમાં એક ખૂણામાં સુવડાવી ઉપર કંથા (ગોદડી) ઓઢાડી દીધી અને માથે હાથ મૂકીને રામરામ એવો ઉચ્ચાર કર્યો. આમ બાવા બાળનાથે શીર પર હાથ મૂકતાં તે રામદેવજીના ગુરુ થયા. આ રીતે પોતે સ્વયં હોવા છતાં ગુરુ પરંપરા ધારણ કરી ગુરુપદનો મહિમા વધાર્યો.

    સત્ય સનાતન ધર્મમાં પ્રથમથી જ ગુરુનું સૌથી વિશેષ મહત્વ છે. ગુરુ પરંપરા એ સત્ય સનાતન ધર્મનો મુખ્ય આધાર છે. રામ, કૃષ્ણ, જનક, શુકદેવજી, નારદ વગેરેએ પણ એ પરંપરા અનુસાર સદ્‌ગુરુ ધારણ કરેલા. કારણ કે ગમે તેટલું જ્ઞાન હોય પણ આત્મજ્ઞાન યા નિજસ્વરૂપના જ્ઞાન માટે સદ્‌ગુરુ ધારણ કરવા અતિ આવશ્યક છે. ગુરુ વિના એ જ્ઞાન મળી શકે નહીં.

    ત્યારપછી ભૈરવો આવ્યો. તેને માણસની ગંધ આવવા લાગી અને પોતાના ગુરુ બાવા બાળનાથને કહ્યું કે, 'અહીં કોઈ માણસ હોય એમ દેખાય છે, તો મને કહો કે એ ક્યાં છે ?' એમ કહીને એ બધે તપાસ કરવા લાગ્યો. એમ કરતાં એને કુટિરના ખૂણામાં વહેમ પડતાં તેણે એ કંથાને હટાવવા માટે ખેંચવા માંડી. પણ આ શું ? એ કંથા તો જેમ જેમ ખેંચાતી ગઈ તેમ તેમ લાંબી થતી ગઈ. ભૈરવો થાકી ગયો. છેવટે રામદેવજીએ કંથા હટાવી દીધી અને ભૈરવા સામે લડત આદરી.

    ભૈરવાનો સમય હવે પૂરો થયો હતો. તેણે ગુરુવચનનો ભંગ કરીને ધૂણાની મર્યાદા તોડી હતી. ભૈરવાને મોત નજરે દેખાયું. તે સમજી ગયો કે આ કોઈ સામાન્ય બાળક નથી અને આજે એનો ઉદ્ધાર થવાનો સમય તેણે પારખ્યો.

    પીર રામદેવજીને ભૈરવાએ બે હાથ જોડીને કહ્યું કે, 'મને મારશો નહી, તમે બાવા બાળનાથના શિષ્ય છો અને હું પણ તેમનો જ શિષ્ય છું. તો આપણે ગુરુ-ભાઈ થયા. હવેથી હું કોઈને ત્રાસ નહીં આપુ અને આપ મારા પર એવી દયા કરો કે જેથી આપની સાથોસાથ મારું નામ પણ અમર રહે અને મારો ઉદ્ધાર થાય...' ભૈરવાની હૃદયપૂર્વકની આજીજી સાંભળી શ્રી રામદેવપીરે તેને વચનથી બાંધી જુક્તી દ્વારા ભોંયરામાં ભંડારી દીધો. તેને મારી નાંખ્યો નથી, પણ ભોંયરામાં ભંડારીને પથ્થરની શિલા આડી મુકી દીધી અને રણુંજામાં ભાદરવા સુદ-૧૧ પછી જે કોઈ રહે તેમાંથી એકાદને પોતાના ખોરાક તરીકે સંહાર કરવાની છૂટ આપી. ભાદરવા સુદ-૧૧નો જે પ્રસાદ ધરાવવામાં આવશે તે ભૈરવાને પ્રાપ્ત થશે.

    આમ શ્રી રામદેવજી મહારાજે ભૈરવાને ભોંયરામાં ભંડારી એ પ્રદેશમાંથી જુલ્મ, ત્રાસ અને ભયનું સામ્રાજ્ય દૂર કર્યું અને શાંતિ, સલામતી અને નિર્ભયતાનું વાતાવરણ ખડું કર્યું. ભૈરવાને ભંડારી રામદેવજી પોકરણ આવ્યા. લોકો આ વાત સાંભળતા અત્યંત પુલકિત બન્યા અને તેમનો જય-જયકાર કર્યો. આ ઘટનાથી લોકોને આ પુરુષ કોઈ અસાધારણ પુરુષ છે એવું નક્કી થવા લાગ્યું. તેમણે તેમનું મુખ્ય અવતારી કાર્ય સફળ બનાવીને હવે પીરાઈના પરચા દ્વારા ધર્મની રક્ષા કરી અને એને અનુરૂપ વાતાવરણ ખડું કરવાની કાર્યવાહી આરંભી.

  3. અબ તુમ હિંદવા પીર સચ્ચા

    ધીરે ધીરે શ્રી રામદેવપીરના પરચા અને પીરાઈની વાતો પ્રસરવા લાગી. શ્રી રામદેવપીર એ પીર છે અને પીરાઈનું પ્રમાણ આપી રહ્યા છે એવી લોકોમાં ચર્ચા થવા લાગી. વધુને વધુ લોકો એમને અનુસરવા લાગ્યા. એમના તરફ ખેંચાણ થવા લાગ્યું. પૂજ્યભાવ પ્રગટવા લાગ્યો અને એમને માનવા લાગ્યા. એ સમયે ભારતમાં દિલ્હીમાં મુસ્લીમ શાસન હતું. મહંમદ પયગંબર સાહેબની મૂળ પવિત્ર ભાવનાને ભૂલીને (માનવધર્મ) ભાઈચારા તથા સમાનતાના સિદ્ધાંતો અને ભાવનાઓને ભુલીને ધર્માંધ બાદશાહોએ ધર્મ-ઝનુનથી પ્રેરાઈને પોતાના ધર્મના ફેલાવા માટે દુનિયાના વિવિધ પ્રદેશોમાં જોર જુલ્મ અને ત્રાસનો પણ સહારો લીધેલો એમ એ સમયનો ઈતિહાસ કહે છે.

    ભારતમાં પણ આવો કપરો કાળ હતો. આવા સમયે શ્રી રામદેવપીરની પીરાઈથી ઘણાં મુસ્લીમ બિરાદરો પણ આકષર્યેલા. તેમને પણ લાગ્યું કે શ્રી રામદેવપીર કોઈ મહાન પુરૂષ છે. ઈસ્લામ ધર્મમાં પણ ઘણાં પીર, ફકીર, ઓલીયા ખૂબ પવિત્રતાવાળા ખુદાની બંદગીમાં રત અને ગુણોનાં ભંડાર હોય છે. તેમનામાં વેરઝેર, ઈર્ષા કે ધર્માંધતા હોતા નથી પણ આવા હરેક હોતા નથી. ઈર્ષાળુઓનો પણ તોટો નથી.

    આવું હરેક સમાજમાં જોવા મળે છે. મુસ્લીમમાં ઘણા એવા ફકીર ઓલીયા હતા કે જેમને ઈર્ષાળુઓની વાત ગમતી ન હતી. પણ ઈસ્લામ ધર્મીઓનું તેમના પર દબાણ થયું કે આમને આમ જો ચાલશે તો મોટાભાગના મુસ્લીમો તેમના અનુયાયીઓ બની જશે અને પીર તો મુસલમાનમાં જ હોય, હિંદુમાં ન હોય. એ સમયે ઈસ્લામના પીર પયંગબરો પાસે તાકાત પણ હતી, શક્તિ હતી, પીર તરીકે પૂજાતાં. ઈસ્લામ સિવાય પીર હોઈ શકે નહીં એટલી પીરાઈ ઈસ્લામ ધર્મમાં ઉદ્‌ભવી હતી અને એમણે પ્રકાશ પાડ્યો હતો.

    આથી ઈસ્લામ ધર્મના અનુયાયીઓના દબાણ અને આગ્રહને કારણે ભારતના ઈસ્લામ ધર્મના વડાઓએ તેમના મુખ્ય મથક મક્કા-મદીનામાં જઈને ત્યાં પીરોના પીર, બાદશાહોના બાદશાહ એવા મુસાપીરને આ વાત કરી અને કહ્યું કે, 'આપ એમની પીરાઈની કસોટી કરો, તે સત્ય છે કે અસત્ય તે નક્કી કરો. આ બધો તેમણે ઢોંગ રચ્યો છે અને આપ પધારીને તે ઢોંગ ખુલ્લો કરી તેમની પીરાઈને છિન્નભિન્ન કરી નાંખો. જો આમ નહીં કરવામાં આવે તો આપણા ઈસ્લામ ધર્મને ખૂબ ઠેસ પહોંચશે. તો આપ પધારો અને ખાત્રી કરો...'

    આ વાત સાંભળીને મુસાપીર અને અન્ય પીર વિચારમાં પડી ગયા. તેમને થયું કે પીર તો મુસલમાનમાં જ હોય બીજા કોઈમાં પીર હોય નહીં. બીજામાં પીરાઈ હોય જ નહીં. હિંદુમાં આજ સુધી કોઈ પીર પાક્યો નથી. તો આ વળી પીર કોણ ? જો ખરેખર આવું જ હોય તો તેમની પીરાઈ અવશ્ય જોવી જોઈએ અને જો એ પીરાઈ ન બતાવે, પીરાઈનો અનુભવ ન કરાવે તો તેમની પીરાઈને છિન્નભિન્ન કરી નાંખવી.

    આવો નિર્ણય કરી મક્કાના મુસાપીર સહિત પાંચ પીર રણુંજા (પોકરણગઢ) આવવા નીકળ્યા, તેઓ રણુંજાના સીમાડે આવી પહોંચ્યા. એ સમયે રામદેવજી અને તેમનો મિત્ર સવારથીઓ ત્યાં બેઠા હતા. અને રામદેવજીનો ઘોડો ત્યાં બાજુમાં ચરતો હતો. પાંચે પીર તેમની પાસે આવ્યા અને પૂછ્યું કે, 'રણુંજા અહીંથી કેટલું દૂર છે ?' રામદેવજીએ જવાબ આપ્યો કે, 'આ સામે દેખાય છે તે જ રણુંજા છે..' જવાબ સાંભળીને મુસાપીરે પૂછ્યું કે, 'ત્યાં કોઈ રામદેવપીર છે ?' પ્રશ્ન સાંભળીને સવારથીઓએ કહ્યું કે, 'આ ઉભા છે તે જ રામદેવપીર છે.'

    પાંચે પીરોને રામદેવજીને જોઈને નવાઈ લાગી. તેમના બાહ્ય દેખાવ કે પરિવર્તનમાં તેમને કંઈ જ નવીનતા ન લાગી. આથી એક પીરે પૂછ્યુ કે, 'શું તમે જ ખરેખર રામદેવપીર છો ? તમે પરચા પૂર્યા છે ?' શ્રી રામદેવપીરે જવાબ આપ્યો કે, 'હા, લોકો મને રામદેવપીર કહે છે..' મુસાપીરે કહ્યું કે 'હવે આપણે બેસીને વાતો કરીએ..' રામદેવપીર કહે, 'ભલે આપ તો અમારા મહેમાન છો...'

    એ વખતે પાંચ પીરોએ દાતણ કરીને ત્યાં નાંખ્યા. એ દાતણમાંથી રામદેવપીરે પોતાની કળા વાપરી પાંચ પીપળી ઉગાડી અને પીપળીના છાંયે તેમને બેસાડવા માટે પોતાના ઘોડા પર સવા હાથની જાજમ હતી તે બીછાવી. આ જોઈને પીર હસ્યા અને કહેવા લાગ્યા કે, 'જુઓને, આમ કંઈ પીર થઈ જવાય છે. આતો ઢોંગ કરીને લોકોને ફસાવી હિંદુપીર તરીકે નામ બહાર પાડ્યું છે. આનામાં ક્યાં કંઈ વિવેક કે ગમ છે. આનામાં તાકાત, પરાક્રમ, બુદ્ધિ, આવડત કે પીરાઈ હોય એવું કંઈ દેખાતું જ નથી...' શ્રી રામદેવપીરે તેમને બેસવા આગ્રહ કર્યો. પીરોએ કહ્યું કે, 'અમે આવડી જાજમમાં ક્યાં બેસીએ ?' શ્રી રામદેવપીરે કહ્યું, 'આપ બેસો તો ખરા...'

    આથી સૌ પ્રથમ મુસાપીરે આસન ગ્રહણ કર્યું તેઓ જેવા આસન ઉપર બિરાજમાન થયા કે તરત જ એ જાજમ સવા હાથ વધી. બીજા પીર બેઠા. ફરી જાજમ સવા હાથ લાંબી થઈ. આ રીતે જાજમ સવા હાથ લાંબી થતી ગઈ અને પાંચે પીરોએ આસન ઉપર બેસવા છતાં સવા હાથ જાજમ વધી, પાંચે પીરોને ખૂબ નવાઈ લાગી. પાંચે પીરોએ વિચાર્યું કે, સવા હાથની જાજમમાં અમને પરિપૂર્ણ આસન તો આપ્યું. આવી જોગવાઈ તો જોવા મળી. પણ હવે આથી વિશેષ શું ? એની તપાસ કરીએ. આથી મુસાપીરે કહ્યું કે, 'અમને તો આપ પીર હોય એવું દેખાય છે, પણ જે બાવન હજાર ઓલીયા મક્કા-મદીનામાં નિવાસ કરી રહ્યા છે તેમના બધાયના બ્રહ્માંડમાં, તેમના ગગનમંડળમાં જે નાદ ગરજી રહ્યો છે, એ કેમ કરીને બાદ થાય ? આપ હિંદવા પીર છો એવું એમને કેવી રીતે સાબિત થાય ! તો અમારે આપની વધુ શક્તિ જોવી છે...'

    શ્રી રામદેવપીરે કહ્યું કે, 'ભલે જેવી ઈચ્છા, આપના ભાગ્યમાં જે હશે તે આપને જોવા મળશે. આપ એ બાવન હજાર ઓલીયાને બોલાવી લ્યો.'

    આ સાંભળીને પાંચેય પીરોએ આકાશમાર્ગે પર૦૦૦ ઓલીયાને બોલાવ્યા. આ બાવન હજાર ઓલીયા અહીં આવ્યા એ પહેલાં એમના માટે તમામ સુવિધા અનાયાસે ઉભી થઈ ગઈ. આ સુવિધા જોઈ હરેકના મનનો ગર્વ ગળી ગયો. ત્યારબાદ બધા ઓલીયાને પુછ્યું કે 'બોલો હવે આપની શું ઈચ્છા છે ?' ઓલીયાઓએ કહ્યું કે, 'બસ બીજુ કાંઈ નહિ, એક જ ઈચ્છા કે ભોજન. અમારી મનોકામના પૂર્ણ થાય અને અમારી ઈચ્છા મુજબ ભોજન કરાવો તો અમે માનીએ કે હિંદવા પીર સચ્ચા...'

    પછી શ્રી રામદેવજી મહારાજે એક નાની દેગમાં સવા પાંચ શેર દૂધ, સવા શેર ચોખા અને સવા પાશેર સાકર નાંખીને એની દેગ બનાવી. આ જોઈને પીરે પૂછ્યું કે, 'આપ આ શું બનાવો છો ?' શ્રી રામદેવજી મહારાજે જવાબ આપ્યો કે, 'આ તો બાવન હજાર ઓલીયા અને આપ માટે હરેક પ્રકારની રસોઈ બને છે. જેની જેવી ઈચ્છા હોય એવી બધા પ્રકારની રસોઈ એમાં બને છે અને બની જશે...'

    આથી બધા પીરોએ વિચાર્યુ કે કદાચ એ કંઈ આવું કરી શકે તો આપણે એની પહેલા વિચારીએ નહીંતર આપણી પીરાઈને ઝાંખપ લાગે. તો બધાએ એમ કહ્યું કે 'જો તમે હિંદવાપીર હો અને અમને ભોજન કરાવવું હોય તો અમે અમારા ઠામમાં જમીએ છીએ. બીજા પાત્રમાં જમતાં નથી. અમારા ઠામ મક્કા-મદીના પડ્યા છે. જો તમો તે લાવી આપો તો તેમાં અમે ભોજન કરીએ...'

    આથી શ્રી રામદેવજી મહારાજે કહ્યું કે, 'ભલે, એમાં શું પણ પછી તો આપ ખુશીને...! એ તો આવી જશે...' પછી કોણ જાણે શ્રી રામદેવજી મહારાજે એવી તે શું કરામત વાપરી કે ત્યાંથી બધાયના પાત્ર ભેગા કરી આકાશમાર્ગે લાવી ઢગલો કર્યો અને કહ્યું કે, 'હવે આપ આપના ઠામ શોધી લો. ધ્યાન રાખજો કે પાત્ર બદલાવું ન જોઈએ. જો પાત્ર બદલાઈ જશે તો તમે તમારી પીરાઈ હારી જશો. તમારી પીરાઈને ઝાંખપ લાગશે. તમારા પાત્ર કે ઠામની તમને ખબર ન રહે તો એ વિચારવા જેવો મુદ્દો બની જશે...'

    આથી બધાય પીર અને ઓલીયાઓએ ખૂબ જ ચોકસાઈ અને ધ્યાનપૂર્વક તપાસીને પોતપોતાના પાત્ર પોતાના હાથ ઉપર કર્યા. છતાંય અમુકના ઠામ આડાઅવળા થઈ ગયા પણ મહાપુરુષોએ મરમથી એ બધુ સાચવી રાખ્યું. ત્યારબાદ પાંચ પીર અને બાવન હજાર ઓલીયાને ભોજન કરવા બેસાડ્યા. જેને જે જે ઈચ્છા થઈ તે જીભાનથી ઉચ્ચારવા માંડ્યું. એક જ વસ્તુ પીરસવાની અને પ્રિયતાવાળી વસ્તુ માંગવાની. આ રીતે હરેકને મનગમતી વાનગી એક જ વસ્તુ પીરસીને પાત્રમાં આપી અને પછી પૂછ્યું કે, 'કેમ, હવે બરાબર ?' બધાએ ખૂબ નવાઈ સાથે હા પાડી. પછી કહ્યું કે, 'અબ ભોજન પાલો...'

    ઓલીયા ભોજન કરી રહ્યા પછી ફરી વિચાર્યું કે લાવો હવે જોઈએ કે આમની પાછળ હજુ કેવીક પીરાઈ છે. આમ વિચારીને તેમણે શબ્દો ઉચ્ચાર્યા કે 'પીરજી, હમ કો ફીર ભોજન પાને કી ઈચ્છા હુઈ હૈ...' આથી શ્રી રામદેવજી મહારાજે કહ્યું કે, 'તો ઈસમે ક્યાં ? આપ કો ભોજન પાને કી ઈચ્છા હુઈ હો તો આપ ફીર સે લગાવો...'

    પછી ફરીથી પ્રસાદ વહેંચવાની શરૂઆત કરી. આ જોઈ પાંચેય પીર ઉભા થઈ બંને હાથ જોડી ચુંગી ભરી અને સલામ ભરી મસ્તક નમાવીને કહ્યું કે, 'આજ સુધી અમે એવું માની રહ્યા હતા કે અમારા મુસલમાન સિવાય બીજે ક્યાંય પીર નથી અને થઈ પણ ન શકે. પણ હવે અમને સૌને આપની પીરાઈનો પરિપૂર્ણ પરિભાવ જોવા અને અનુભવવા મળ્યો. આપના વિશે જે કંઈ હકીકતો અમે સાંભળેલી તે સંપૂર્ણ સત્ય છે એની અમને ખાતરી થઈ ગઈ છે. હવે અમને નક્કી થઈ ગયું છે કે આપમાં સંપૂર્ણ પીરાઈ છે. અબ તુમ હિંદવા પીર સચ્ચા'

    આમ મક્કાના પાંચ પીર અને બાવન હજાર ઓલીયા રણુંજાના રાય પીર રામદેવજી મહારાજથી અત્યંત પ્રસન્ન થઈ પોતાને ધન્ય માની તેઓને 'હિંદવા પીર'નો ઈલ્કાબ આપીને પોતે પોતાના વતનમાં પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી.

    આથી પીર રામદેવજી મહારાજે તેમને પ્રેમથી વિદાય આપી અને પીપળીની એક ડાળી પર બેસાડી તેમના વતનમાં વિદાય કર્યા.

  4. પીરાઈના પરચાનો ટૂંક પરિચય

    રણુંજાના રાય પીર રામદેવજી મહારાજે પોતાના જીવન સમય દરમ્યાન બાવન પરચાના પ્રમાણ આપ્યા છે. જ્યારે જ્યારે કોઈ કારણસર ભક્તોને સંકટ પડ્યા છે અને તેમને આરાધ કર્યો છે ત્યારે ત્યારે તેમણે પરચા પૂર્યા છે અને પીરાઈનું પ્રમાણ આપ્યું છે.

    પ્રથમ તો કંકુના પગલે પધારી ઉકળતી દેગ ઉતારી, દરજીની દાનત બગડતા તેણે બનાવેલ કપડાનો લીલો ઘોડો આકાશમાં ઉડાડ્યો અને પોતે સવાર થયેલા. તેમણે એક પલમાં ભૈરવાને ભૂમાં ભંડારી દીધો. લાખો વણઝારો કર ન ભરવાની ગણત્રીએ તેમની પાસે જૂઠુ બોલ્યો તો તેની મીસરી (સાકર) લૂણ બની ગઈ. પછી તેણે માફી માંગતા લૂણની મીસરી બનાવી દીધી. વાણિયા ધનપાળ શેઠ પરદેશથી કમાઈને આવતી વખતે મધદરિયે સખત પવન અને વાવાઝોડાને કારણે વહાણ ડોલવા લાગ્યા. શેઠે રામદેવજીને પોકાર કર્યો તો મહેલમાં ચોપાટ રમી રહેલ પીર રામદેવજી મહારાજે પોતાની ભૂજા પસારી એ ડૂબતા વહાણને કિનારે લાવી મૂકી દીધાં.

    તેમણે તેમના ભક્ત હરજી ભાટીને અનેક પરચા આપ્યા છે. હરજી ભાટી કપડાનો ઘોડો લઈને ગામેગામ વિચરતા હતા અને ઘોડાની સેવાપૂજા આરતી કરતા હતા. તેઓ જોધપુર જઈ ચડ્યા. આ સમયે જોધપુરના રાજાને કાનભંભેરણી થતા તેમણે હરજી ભાટીને જેલમાં પૂર્યા અને તેમની શક્તિને માપવા કપડાંના ઘોડાને ઘાસનું નીરણ કરી મોઢે લોઢાના ચણાનો પાવરો ચડાવવામાં આવ્યો. હરજી ભાટીએ શ્રી રામદેવપીરને આરાધ કરતાં રાત્રે ઘોડાહારમાં પચ્ચીસ ઘોડા ઉપસ્થિત થયા અને ધમસાણ મચાવી દીધું અને કપડાંના ઘોડાએ લોઢાના ચણાનો પાવરો અને ઘાસ આરોગ્યા. રાજાએ આ સાંભળતા જ તેમને જેલમાંથી છૂટા કર્યા અને ત્યાં શ્રી રામદેવજી મહારાજની સ્થાપના કરી. આ સિવાય ચૈત્ર વૈશાખ મહિનામાં કાનકુંવારી બકરીએ દૂધ આપ્યું અને ઉનાળાના તાપમાં સૂકી તલાવડીને પાણીથી ભરેલી બનાવી અને પાણીની ઝારી ભરવાનો પરચો પણ તેમને આપ્યો. છતાંય દૃઢ ભરોસો, વિશ્વાસ આવવો કઠીન હતો.

    શ્રી રામદેવપીરે રાણી નેતલદેના અષ્ટવંકા અંગને હસ્તમેળાપ વખતે સુંદર બનાવીને અંગની પીડા મટાડી. પીર રામદેવજી મહારાજના લગ્ન પછીના સામૈયા વખતે સગુણાબેનનો કુંવર ભાણેજ ગગુભા ચિર નિદ્રામાં પોઢી ગયા હતા. તેમણે ભાણેજને ઘેરી નિદ્રામાંથી જાગૃત કરી સગુણાબેનનું સંકટ મટાડ્યું. એ જ સગુણાબેનને આ લગ્નમાં આવતી વખતે દિલ્હીના ચોરોએ લૂંટ્યા હતા. તેમનો પોકાર સાંભળી શ્રી રામદેવપીર પલમાં હાજર થઈ ચોરોને પકડ્યા. દિલ્હીના બાદશાહને તેની બદદાનતને કારણે પલંગથી પછાડીને પરચો આપ્યો. તેમણે અજમેરમાં પીર તરીકે ઓળખાતા કતીબશા બાદશાહને પણ પોતાની પીરાઈનો પરચો બતાવેલો અને પરિણામે તેઓ પણ શ્રી રામદેવપીરને નમી પડ્યા. ત્યારપછી કતીબશા બાદશાહ સત્ય સનાતન ધર્મના રાહે જોડાયા અને મહાધરમના પંથમાં એ મહાનપુરુષ તરીકે પ્રખ્યાત થયા.

    બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબે પીર રામદેવજી મહારાજના વ્યાપક સ્વરૂપને આવરીને પરચાનો પરિચય આપતી પદ રચનાઓ કરી છે તેમાંની એક રચના અહીં આપી છે.

    સાવળ

    પીરની પલ પલ બલિહારી રે, પીરની પલ પલ બલિહારી અખંડ જ્યોત અવિનાશી આપને વ્યાપક જાઉં વારી...ટેક... અજમલજીના બોલે બંધાણા દ્વારકાધારી, વચન નીભાવવા પિતા પુત્ર થઈ આવ્યા ગિરધારી;...પીરની...૧ પોઠ ભરીને આવ્યો વણઝારો, માંઈ મીસરી ભરી સારી, પરપંચ કર્યો'તો પીરની આગળે તો લુણ કરી ડારી;...પીરની...૨ મધદરિયામાં પોકારે વાણિયો ધણી કરજો લીલે અસવારી, ચોપાટ રમતાં ભુજા પસારી બુડતી જાજ તારી;...પીરની...૩ એલમ ફકીરી અજમાવવા મક્કાથી પીર આવ્યા ભારી, વલી ઓલીયા વિસ્મય થઈ કે'છે આતો ફુલ કળા છે ન્યારી;...પીરની...૪ બેની સગુણા કરે સામૈયા જેના રૂદે શોક ભારી, કુંવર ગગુભા કર્યા સજીવન તે હિંદવા હાક મારી;...પીરની...૫ ચરણ પકડીને પડ્યો ચરણમાં ધુન ધણી ધારી, દાસ સવો દરગાનો ચાકર બુડતી બેડી તારી;...પીરની...૬

    આ રીતે રણુંજાના રાય પીર રામદેવજી મહારાજે પીરાઈ પ્રગટ કરીને હિંદુ ધર્મમાં ખૂટતી કડી મેળવી આપી.

    આમ, વિશ્વમાં સત્ય સનાતનધર્મની ધજા ફરકાવવા રણુંજાના રાય પીર રામદેવજી મહારાજ વિ. સં. ૧૪૬૧ના ભાદરવા સુદ-૧૧ ને દિવસે પોકરણગઢમાં પ્રગટ્યા. વીરમદેજીએ અજમલજીના ઘેર અવતાર લીધો છે પણ શ્રી રામદેવજી મહારાજ પોતે સવા મહિને પારણમાં આવીને પોઢ્યા છે. તેઓ અવતારી પુરૂષ ખરા પણ એમણે અવતાર લીધો નથી. માતાની કુખે જન્મ લીધો નથી. આથી તેઓ અજન્મા કહેવાય છે. ભારતમાં માત્ર બે જ પુરૂષો અજન્મા છે. તેમાં એક રણુંજાના રાય પીર રામદેવજી મહારાજ અને બીજા કબીર સાહેબ. કબીરસાહેબ પણ સત્ય સનાતન ધર્મ માટે પધાર્યા હતા. એમનું પ્રાગટ્ય પણ અલૌકિક અને દિવ્ય છે. તેઓ કાશીનગરીના લહરતારા સરોવરમાં કમલપુષ્પ પર પ્રગટ્યા છે. એ બાબતની માહિતી વાણીમાં મળી આવે છે.

    જેઠ સુદી પુનમ તિથિ સોમવાર શુભ જાન, સંવત ચૌદહસો છપ્પન સદ્‌ગુરુ પ્રગટે આન. ગગન મંડલસે ઉતરે સત્યપુરૂષ કબીર, જલજમાંહી પોઢન કીયા સબ પીરન કે પીર.

    આમ, પીર રામદેવજી મહારાજ અને કબીર સાહેબ એ બંને અજન્મા ખરા પણ આ બંનેમાં કંઈ ફરક નથી. કેવળ એમની કાર્યવાહીમાં જ ફરક દેખાય છે. કબીર સાહેબ પોતે સ્વયં સતપુરૂષના આદેશથી આ પૃથ્વી પર જીવોને ચેતાવવા માટે પધાર્યા હતા. પોતે નૌતમ સુરતી હંસ ઉજાગર પુરૂષ હતા. તેઓ સત્તરમી કળા લઈને ઓદર્યા હતા. તેમણે કાશીમાં પ્રગટ થઈ સાત દીપ અને નવખંડમાં ભક્તિનો પરિભાવ પાડ્યો છે. તેની સાખ વાણીમાં મળી આવે છે.

    ભક્તિ દિલાવર દેશની લાવ્યા ગુરૂ રામાનંદ સાહેબ કબીરે પ્રગટ કરી સાત દીપ નવખંડ

    પીર રામદેવજી મહારાજ પણ સત્તરમી કળા લઈને ઓદર્યા છે. તેમણે પીરાઈની સાથોસાથ સનાતન ધર્મની કાર્યવાહી પણ બજાવી છે.

    તેઓ સંત મેળાવડાઓમાં પણ જતાં અને ગતગંગામાં મનુષ્ય કૃતિની ફરજો કે કાર્યવાહી બજાવતા રહીને પીરાઈ છૂપાવી રાખતા. એ સમયે ભારતમાં ધર્મની રીતે સારા સારા પુરૂષો હતાં. જેસલ-તોરલ, માલદે-રૂપાદે, મેઘ ઘારવો, ગુરૂ ઉગમશી, કતીબશા બાદશાહ, હુરલબાઈ, પીર જેતો, ખીમરો કોટવાળ, લીરલબાઈ વગેરે એ સમયે સત્ય સનાતન ધર્મના રાહે હતા અને ધર્મ કાર્ય માટે સંત મેળાવડો યોજતા રહેતા.

    પીર રામદેવજી મહારાજ બાર બીજના ધણી કહેવાય છે. એમણે એક જ સમયે અલગ અલગ સ્થળે એમની બિરદ અને રીત પ્રમાણે બાર સંપ્રદાયના પાટપૂજનમાં હાજરી આપેલી. એ બારેય સંપ્રદાયની ઉત્પત્તિ બીજથી પણ પોતે તો બીજથી બાર હતા. સંપ્રદાય રીત અને કાર્ય પ્રમાણે બાર બીજના ધણી પણ પોતે બીજથી ન્યારા હતા, અજન્મા હતા.

    તેઓ અધમ ઓધારણ છે. અધર્મીનો ઉદ્ધાર કરવાવાળા છે. ધર્મીનો તો આપોઆપ પોતાની કમાણી દ્વારા ઉદ્ધાર થાય છે. પીરની પાસે નેકી-ટેકી ખૂબ જરૂરી છે. ત્યાં અદલ ઈન્સાફ હોય છે. આ કલીયુગમાં હવે એમની કાર્યવાહીનો સમય આવી ગયો છે.

  5. પૂર્વના અનુસંધાને પીપળીમાં પધરામણી

    ભજન-ગરબી

    ગામ પીપલીએ પીરના ધામ છે રે; ત્યાં સમરથ સંત સવારામ છે રે...ગામ...ટેક... જેની નવખડે નોબતો ગડગડે રે; ફરકે ધોળી ધજાના નિશાન...ગામ...૧ પ્રેમે ઉતરે પીરની આરતી રે; શંખ ઝાલર તણો ઝણકાર...ગામ...૨ નરનારી જઈને નમણું કરે રે; ભાવે દરશને આવે મોટા ભૂપ...ગામ...૩ ત્યાં મૂરતીમાં રાધાને શ્યામ છે રે; ભેળા ગણેશ ને જતી હનુમાન...ગામ...૪ દાસ બળદેવ સરવને દાખવે રે; પીરના દર્શન કર્યાથી દુઃખ જાય...ગામ...૫

  6. પ્રગટ પીરાણું પીપળીધામ

    ઘણાં વર્ષો પહેલાં બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે જ્યારે ઉપરની પદરચના કરી ત્યારે પીપળી ગામની પ્રખ્યાતી ન હતી અને અહીં માત્ર ગણીગાંઠી વ્યક્તિ જ દરશને આવતી હતી. પણ મહાપુરૂષના શબ્દો મિથ્યા હોતા નથી. તેમાં ભાવિનો સંદર્ભ રહેલો હોય છે.

    આજે વાસ્તવમાં પીપળી ગામ એ પીપળીધામ બની ગયું છે. આજે એનો પરિભાવ દેખાઈ રહ્યો છે. એ પદરચનાના શબ્દો 'ભાવે દરશને આવે મોટા ભૂપ...' એ સાબિત થઈ રહ્યા છે અને પીપળીધામમાં દેશપરદેશથી દર્શનાર્થીઓ દર્શન માટે પધારી રહ્યા છે. આજે વિશ્વમાં એનો પ્રભાવ પથરાઈ રહ્યો છે. બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબના નામ પ્રતાપે શ્રી બળદેવદાસ મહારાજ દ્વારા પીપળી ધામમાં બીરાજેલ ખુદ રણુંજાના રાય પીર રામદેવજી મહારાજનો પ્રકાશ જગમતાં ચોતરફ પ્રસરી રહ્યો છે. કારણ-કાર્ય અને સમયને અનુલક્ષીને પોતે આપેલ કોલ-કરાર અનુસાર અનંત બ્રહ્માંડોના નાથ પીર રામદેવજી મહારાજ પોતાને જ્યાં યોગ્યતા દેખાય છે, ત્યાં પધારે છે.

    એ અનુસાર ઝાલાવાડ પંથકના પીપળી ગામમાં પ્રજાપતિ કુળમાં શ્રી સવારામ બાપાને ઘેર રણુંજાના રાય પીર રામદેવજી મહારાજ પધાર્યા. પૂર્વના કોઈ નીકટના અનુસંધાને, પૂર્વની કોઈ ગ્રંથિ અનુકૂળ બનતાં વિ. સં. ૧૯૬૮માં રણુંજાના રાય પીર રામદેવજી મહારાજે રાત્રે તેમના ઘેર પધારી તેમને વાસ્તવમાં સ્વપ્ન દ્વારા ભરનીંદરમાંથી જગાડીને વચન આપતા કહ્યું કે, 'સવા, મારે તારે ત્યાં કાયમી બેસવું છે. નિવાસ કરવો છે, અહીં અખંડ સદાવ્રત શરૂ થશે અને ઈશાન ખૂણામાં બાવન ગજનો નેજો ફરકશે એવું મારું વચન છે.'

    શ્રી સવારામ સાહેબ પાસે ભીતરની દોલત તો ભરપૂર હતી પણ બાહરીક દોલતનો અભાવ વર્તાતો હતો. પીર રામદેવજી મહારાજના શબ્દો સાંભળી પોતાની નબળી આર્થિક પરિસ્થિતિને અનુલક્ષીને તેમણે કહ્યું કે, 'હું નેજો ક્યાં ચડાઉ?' મારાથી તો એ બની શકે એમ નથી. છતાંય આપની આજ્ઞા હોય તો આપણે ઘેર એક લીંબડી છે તેના ઉપર ચડાઉ...'

    આ સાંભળી પીર રામદેવજી મહારાજે કહ્યું કે, 'તું ચિંતા કરીશ નહી. તુ કોઈપણ જાતની ફીકર કરીશ નહી. તારી જોગવાઈ હોય કે ન હોય પણ મારે તારે ત્યાં બેસવું છે. આ તો પૂર્વનું કોઈ નિકટનું અનુસંધાન છે, પૂર્વનો કોઈ નિકટનો નાતો છે, પૂર્વની કોઈ ગ્રંથિ છે આથી આ અનુકૂળ બન્યું છે. આગળ ઉપર સમય અનુકૂળ બનતાં અનાયાસે જે પુરૂષના હાથે જે કંઈ બનવાનું હશે તે બનશે...'

    આવા અલૌકિક રહસ્યસભર ઉત્તમ શબ્દો સાંભળી શ્રી સવારામ સાહેબે કહ્યું કે, 'ભલે જેવી આપની ઈચ્છા... '

    આમ રણુંજાના રાય રામદેવજી મહારાજે સ્વેચ્છાએ સામે ચાલીને શ્રી સવારામ સાહેબને મળીને પૂર્વનું નિકટનું અનુસંધાન અનુકૂળ બનાવીને, ભવિષ્યની આગળ ઉપરની અહીંની પોતાની કાર્યવાહી કોઈ અન્ય મહાપુરૂષ દ્વારા અનુકૂળ બનવાની છે એવું ગર્ભિત સૂચન કરીને ભાવિ સંકેત આપી દીધો અને તેમને ત્યાં કાયમી બેસવાનું વચન આપ્યું.

    સમસ્ત બ્રહ્માંડમાં જેમી સત્તા વિલસી રહી છે એવા ચૌદલોકના નાથ રણુંજાના રાય પીર રામદેવજી મહારાજના વચન અનુસાર શ્રી સવારામ સાહેબના ઘેર અનાસુરતી અનાજનું આગમન થતાં અન્નક્ષેત્ર શરૂ થયું. આ અખંડ સદાવ્રત વિ. સંવત ૧૯૬૯ થી (ઈ.સ. ૧૯૧૩ થી) એકધારૂં અવિરતપણે ચાલી રહ્યું છે.

    ત્યારબાદ વિ. સંવત ૧૯૭૦માં શ્રી રામદેવપીરના ઘોડાનું અનાસુરતી આગમન થયું. શ્રી રામદેવપીર મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ત્યાં સુધી શ્રી ઝબુબાઈની હાજરીમાં સંતો ભક્તોએ મળીને આ ઘોડાને શ્રી સવારામ સાહેબના ઘરે સ્થાન આપ્યું.

    ત્યારબાદ શ્રી રામદેવજી મહારાજની ઈચ્છા અને પ્રેરણાથી શ્રી રામદેવપીર મંદિરના નિર્માણની કાર્યવાહી અનાયાસે અનુકૂળ બની. મંદિરના બાંધકામ દરમ્યાન જ્યારે જ્યારે જેવા જેવા પ્રકારની જરૂરિયાત પેદા થઈ, ત્યારે ત્યારે પ્રેરણાદિક બનીને અનેક પરચા આપી એ જરૂરિયાત સંતોષેલી. આ સમય દરમ્યાન પીપળીના નગરશેઠ લક્ષ્મીચંદ કાળીદાસ સંઘવીનું જીવલેણ દર્દ મટાડી જીવતદાન આપ્યું. મંદિરની ઈંટોના પૈસાની ઠગાઈ કરનાર ધુડા ચોરને બજાણાના પોલીસ થાણે હાજર કરાવ્યો. મંદિર માટે લાકડાનો કાટમાલ ખરીદવા ભાવનગર ગયેલા પીપળીના પટેલ ભાઈઓને પૈસા ખૂટતા ભાવનગરની લાકડાની લાટીમાં શ્રી રામદેવપીરે સોની શેઠના રૂપે પધારી ૭૦૦ રૂપિયા ભરપાઈ કર્યા.

    આમ, વિ. સંવત ૧૯૭૨માં શ્રી સવારામ સાહેબના હસ્તક બનેલા શ્રી રામદેવપીર મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ આનંદ અને ઉલ્લાસભર્યા વાતવરણમાં ધામધૂમથી ઉજવાયો. આ પ્રસંગે થયેલો હજારો રૂપિયાનો ખર્ચ પીર રામદેવજી મહારાજની કૃપાથી ભરપાઈ થઈ ગયેલો. ખુદ પીર રામદેવજી મહારાજ ઘોડેસ્વાર પોલીસ અમલદારના સ્વાંગમાં, સંત સભામાં બેઠેલ જીવણગરને પકડવાના નિમિત્તે પધારીને પ્રસંગને પરિપૂર્ણ સફળ બનાવેલો. તેઓ સંત સભાને વિમાસણમાં મૂકીને, ભૂલાવામાં નાંખી અદશ્ય થઈ ગયેલા.

    આ સંત સભામાં રાપર (કચ્છ)ના મહંતશ્રી અમરદાસજી બાપુ, સમી તાલુકાના કુંવરધામના મહંત શ્રી હરદ્વારપુરીજી બાપુ તથા ધ્રુમઠના મહંત શ્રી કેશરભારથીજી બાપુ હાજર હતા. શ્રી સવારામ સાહેબનું દેશી નળિયાવાળું માટીનું સામાન્ય ઘર મંદિર બન્યું. (આ તમામ માહિતી 'શ્રી સવારામ સાહેબની અમરધારા' નામના ગ્રંથમાં સવિસ્તર રીતે આપેલી છે.)

    આ સમયે ભાવિના કોઈ અનુસંધાને સૂચક રીતે રણુંજાના રાય પીર રામદેવજી મહારાજની ગુમ રહી ગેબી રીતે કાર્ય કરવાની ઈચ્છા હોવાથી શ્રી રામદેવપીર મંદિરમાં દ્વારકાધીશ શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. શ્રી રામદેવપીરને શ્રી સવારામ સાહેબના સ્વ-હસ્તે યુક્તિપૂર્વક ગેબી સ્થાન આપવામાં આવ્યું. (શ્રી સવારામ સાહેબે પણ પોતાની સત્તા છૂપાવી રાખેલી). આમ શ્રી રામદેવપીર મંદિરમાં દ્વારકાધીશ બિરાજમાન થયા છે.

    આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વેદોક્ત રીતે વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને પીરાણાના સ્તંભનું રોપણ કરીને એ સમયે બાવન ગજનો નેજો ફરકાવવામાં આવેલો.

    આ પ્રતિષ્ઠા પ્રસંગે સાંતકમાં બેસવાનું હતું. આથી શ્રી સવારામ સાહેબના ધર્મપત્ની શ્રી યમુનામાએ ઝબુબાને કહ્યું કે, 'મને તો મારા જીવનમાં લાભ મળ્યો છે, બાપાની પડખે આપ બેસો તો વધારે સારૂં...'

    (જમનામા) યમુનામા અને ઝબુબા વચ્ચે પરસ્પર ગાઢ પ્રેમ હતો. યમુનામાના આવા શબ્દો સાંભળી ઝબુબાએ કહ્યું, 'મને બેસવામાં કોઈ વાંધો નથી પરંતુ જો હું એકલી ગુરૂમહારાજ પાસે બેસીશ તો આ જગતના લોકો એવા શબ્દો કાઢશે કે હું એ સહન નહીં કરી શકું, પરંતુ જો આપ આપનું સ્થાન સંભાળો તો હું બેસવા તૈયાર છું...'

    તો એ સમયે હાલ જે રીતે શ્રી સવારામ સાહેબ, યમુનામા અને ઝબુબાની સમાધિ છે તે પ્રમાણે સાંતકમાં બેઠેલા. ત્યારે આ જોઈને જગતના લોકો શ્રી સવારામ સાહેબ અને ઝબુબાની એટલી બધી નિંદા કરતા હતા કે જે સાંભળી પણ ન શકાય. છતાં પણ એમણે પોતાના મન ઉપર કોઈ અસર થવા દીધી ન હતી. ઝબુબા તેમના શિષ્યા હતા અને તેમની આધિનતા, આજીજી અને પ્રેમને વશ થઈ શ્રી સવારામ સાહેબે તેમને વચન આપેલું કે, 'જા હું તને પડખે રાખીશ...' આથી એમની સમાધિ અહીં એ રીતે જ છે.

    આ સમગ્ર કાર્યવાહી ખુદ ચૌદલોકના નાથની ઈચ્છાથી બની રહી છે એનું પ્રમાણ પણ એ વખતે આપી દીધું અને એ બાબતને પૃથ્વી રહે ત્યાં સુધીની કાયમી અચળ બાબત બનાવી દીધી.

    બન્યું એવું કે જ્યારે પીરાણાનો સ્તંભ રોપવાનો મુદ્દો ઉપસ્થિત થયો ત્યારે એ ક્યાં રોપવો, એ ક્યાં રોપવો એ પ્રશ્ન થયો. આનો ઉકેલ ગેબી પુરૂષે આપી દીધો. એપુરૂષ રાત્રે શ્રી સવારામ સાહેબ સમક્ષ પ્રગટ થયા અને કહું કે, 'આવતી કાલે સવારે જે જગ્યાએ નાગદેવના દર્શન થાય એ સ્થળે સ્તંભ રોપજો...' શ્રી સવારામ સાહેબને શેષનારાયણ ભગવાન સાથે પણ નાતો હતો. તેમને આંગળીએ દંશ દઈને માટી કામના ધંધામાંથી મુક્ત કરાવનાર પણ નાગદેવ હતા.

    હવે ગેબી પુરૂષના સૂચન અનુસાર બીજા દિવસે સવારે મંદિરના પ્રાંગણમાં નાગદેવ પધાર્યા. હાજર રહેલ સંતોભક્તોએ તેમના દર્શન કર્યા. શ્રી સવારામ સાહેબ મનોમન એ સંકેત એ સ્થળને સમજી ગયા. એ પુરૂષ જે જગ્યાએ પ્રગટ થયાં ત્યાં ચોરસ ખાડો ખોદવામાં આવ્યો અને એક ચોરસ પથ્થરને કોતરીને તેમાં સ્થાપિત કરવામાં આવ્યો. તેમાં સ્તંભ રોપવા માટે ગોળાકાર ભાગ કોતરવામાં આવેલો. એ ચોરસ પથ્થરના ગોળાકારમાં સ્તંભનું રોપણ કરવામાં આવ્યું અને એના ઉપર એ સમયે બાવન ગજનો નેજો ફરકાવવામાં આવેલો. કદાચ સમય સંજોગ અનુસાર સ્તંભ બદલવાની જરૂરત પેદા થાય તો મૂળ બાબતને અકબંધ રાખીને માત્ર એ સ્તંભનો ફેરફાર કરાય છે.

    આમ આ ઈશાન ખૂણામાં શ્રી રામદેવપીરનો નેજો છે. તેમનું નિશાન છે. પણ એ નેજાને ધારણ કરનાર, પકડનાર પુરૂષ અલગ છે. એ નેજાધારી પુરૂષ અલગ છે. અહીં તો તેમના કાયમી બેસણા છે. બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે પોતાના એક પદમાં આ બાબતને આવરીને જણાવ્યું છે કે,

    ધજાવાળાએ ધરમ ચલાવ્યો, રોપ્યો પીંપળીમાં પાયો, પોકરથી પીર પોતે પધાર્યા, નવખંડ નામ દીપાયો.

    સાદી વ્યાખ્યામાં કહી શકાય કે પહેલાં સદાવ્રત ચાલુ થયું. પછી નેજાનું વચન આપ્યું એટલે સ્તંભ રોપાયો. એ ધર્મનો પાયો રચાયો. પહેલાં એ બાબતો હતી કે સદાવ્રત અને બાવનગજનો નેજો. નેજો રાખવો શાના ઉપર ? એટલે સ્તંભ રોપ્યો. જો સ્તંભ રોપાયો ન હોત તો ધર્મનો પાયો ન નંખાયો હોત. પીરાણાની જગ્યા સિવાય સ્તંભ ન હોય. ઈશ્વર ઈચ્છાથી એ બને તો જ બરાબર. પોતાની ઈચ્છાથી સ્તંભ રોપાય તો એ બરાબર નહી એવું મહાપુરૂષોનું માનવું છે. તો એ પોકરણગઢના બાદશાહ પીર રામદેવ પોતે સ્વેચ્છાએ પીપળી પધારીને નવખંડમાં નામ દીપાવી રહ્યા છે.

    શ્રી સવારામ બાપાને પીર રામદેવજી મહારાજ મળ્યા એ જ અરસામાં અજન્મા પુરૂષ કબીર સાહેબ પણ આવી મળ્યા. કચોલીયા ગામે હંસદાસ સાહેબના સ્વરૂપે પધારી શ્રી સવારામ બાપાને ગુરૂઘરનો (સાહેબ ઘરનો) અમૂલ્ય ભેદ અમરભેદ શાન દ્વારા સંપૂર્ણપણે બક્ષિસ કરીને સાહેબનું સ્વરૂપ બનાવેલા. તો શ્રી સવારામ સાહેબ ખરેખર કોણ પુરૂષ હશે કે જેથી સત્તરમી કળા લઈને ઓદરેલા બે અજન્મા પુરૂષો સ્વેચ્છાએ સામે ચાલીને આવી મળ્યા.

    આ બાબતનો નિખાલસ બુદ્ધિથી ગહન વિચાર કરતાં જિજ્ઞાસુ એ અનુસંધાનના રહસ્યને સમજી શકવા સમર્થ બનવા સંભવ છે. જોગ પણ કેવો સાધ્યો કે બાવન ગજના નેજાનું વચન આપનાર પીર રામદેવજી મહારાજે પરચા પણ બાવન પૂર્યા છે અને શ્રી સવારામ સાહેબને મળ્યા પણ બાવનમાં વર્ષે ! શ્રી સવારામ સાહેબનું પ્રાગટ્ય વિ. સં. ૧૯૧૭ના મહાસુદ-૧૫ ના રોજ થયું હતું અને પીર રામદેવજી મહારાજ મળ્યા વિ. સં. ૧૯૬૮ના ઉત્તરાર્ધમાં. કબીર સાહેબ પણ સમયના થોડા અંતરે એ જ અરસામાં મળેલા.

    ખરેખર તો રણુંજાના રાય પીર રામદેવજી મહારાજનું વાસ્તવિક સ્વરૂપ કોઈ જુદું જ હશે. તેમણે પોતે જ પડદે થતા અગાઉ ગતગંગાને કરેલ ફરમાન અનુસાર પોતે કોઈપણ નામ, રૂપ, કૂળ, ધરાવી અવતાર ધારણ કરતા રહે છે. સમય અનુસાર ધર્મની સ્થાપના અને સંતોની રક્ષા કાજે તેઓ કોઈપણ જ્ઞાતિમાં આવે છે. એ નિજારી પુરૂષ છે એમનું ખરેખર સ્વરૂપ નિજારી છે એનું મહાપુરૂષોના શબ્દો દ્વારા જાણવા મળે છે.

    આના અનુસંધાને બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે શ્રી સવારામ સાહેબના યથાર્થ પરિચયના દર્શન કરાવતા પોતાના એક પદમાં ખૂબ સુંદર અને સ્પષ્ટ રીતે આ બાબત રજૂ કરી છે.

    ભજન

    પ્રગટ્યા સંત સવારામ, આવીને કર્યા ઘણાના કામ...ટેક... અનેક પંથ અળગા કરીને, નિજારી ધરાવ્યું નામ, યમપુરીથી જાતા છોડાવી, વૈકુંઠે કરાવ્યા મુકામ...૧ હુકમ લઈને હજુર તણો, પધાર્યા પીપળી ગામ, હંસ ઉબારણ કારણે, જેણે બાંધ્યું ધરમનું ધામ...૨ સોહંગ સ્વામી સદ્‌ગુરુ સાહેબ, લેવા એમના નામ; વિશ્વ આખીમાં વ્યાપી રહ્યા, ઠાલું નહીં એકે ઠામ...૩ સદ્‌ગુરુએ અમને શાન સમજાવી, પૂરી મનની હામ; દાસ બળદેવ દોઈ કર જોડી, મુંને ભેટ્યા સુંદીર શ્યામ...૪

    આ ઉપરાંત તેઓશ્રીએ પોતાના બીજા એક પદ 'સવારામ ગુરુની ગતિ ન્યારી રે, ભેટ્યા અમને આરે ઘડી...' એમાં પણ છેલ્લા ચરણમાં શ્રી સવારામ સાહેબનો ભીતરનો વાસ્તવિક પરિચય રજૂ કર્યો છે. કાફી રાગના આ પદની એ પંક્તિઓ નીચે મુજબ છે.

    અવનીમાં પ્રગટ્યા આવા હંસ, સાહેબ આવ્યા સ્વરૂપ ધરી; કહે બળદેવ સંતોના બાળ, આવી મળ્યા અલખ ધણી; ફેરો આ વખતે ફાવ્યો રે, ગુરુ રીઝ્યા ને આપી મુક્ત મણી...

    આમ, અહીં શબ્દ દ્વારા શ્રી સવારામ સાહેબના સ્વરૂપનું સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. નિખાલસ હૃદયના જિજ્ઞાસુ તેને સમજી શકશે.

    એમનામાં આંતરિક શક્તિ તો જે હતી તે તો હતી જ. એ છૂપી શક્તિ જેમ જેમ સમય વ્યતિત થતો જાય છે તેમ તેમ એમની આત્મશક્તિ, સ્વયં પોતાની શક્તિ પ્રકાશિત થતી જાય છે. એ પોતે પોતાનું અગાઉનું ખાતું લઈને આવેલા. એ રજકણો એમનામાં હતા. એના દ્વારા જે કાર્યની સફળતા મેળવી એ એમનો જ પ્રતાપ છે. પ્રેરણાદિક ભલે કોઈપણ વ્યક્તિ બની ચાહે તો સાહેબ યા રામદેવજી મહારાજ યા તો ગુરુ મહારાજ.

    ચૌદ લોકના નાથ રણુંજાના રાય પીર રામદેવજી મહારાજની પીરાઈની ખાત્રી કરવા જ્યારે મક્કા-મદીનાથી પાંચ પીર અને બાવન હજાર ઓલીયા આવેલા ત્યારે તેમને પીર રામદેવજી મહારાજે પીરાઈ બતાવીને તેમના મનને સંતોષ પમાડેલો અને એ પીરોએ તેમને 'હિંદવા પીર'નો ઈલ્કાબ આપ્યો. હવે જ્યારે આ પીર ઓલીયા પધાર્યા ત્યારે રણુંજાના રાય પીર રામદેવજી મહારાજે તેમને પીપળીના છાંયે સવા હાથની જાજમ પર આસન આપેલું અને સવા શેર ચોખામાં એ સર્વને મનભાવતી મનવાંછીત વાનગી પીરસેલી.

    આ એક અનુસંધાન હતું. સંજ્ઞા હતી, સંકેત હતો, રહસ્ય હતું. તેમણે સવા સાથે સંબંધ રાખ્યો હતો. તેમને સવા સાથે નિકટનું અનુસંધાન મેળવ્યું હતું. સવા, પીપળી અને મુસ્લીમ પીર ઓલીયા, પીર રામદેવજી મહારાજના આ અનુસંધાનમાં કોઈ ગર્ભિત ઈશારો હતો કે જતવાડના પીપળી ગામમાં સવા નામધારી પુરૂષ તરીકે પોતે પ્રગટ થશે અને સમય આવ્યે સ્વરૂપ બદલી વિશ્વમાં સત્ય સનાતન ધર્મનો મહિમા પ્રસરાવી સતયુગના મંડાણ કરશે.