બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબ

શ્રી રામદેવપીર મંદિર — પીપળીધામ

  1. પ્રાગટ્ય અને ભજનપ્રેમ

    માતુશ્રી છે કાશીમા પિતા કૃષ્ન મુજ તાત સ્વામી ફુલગરજી સદ્‌ગુરુ સદા સવો નીજ દાસ

    સનાતન ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રે ભારતની પવિત્ર ભૂમિ પ્રથમથી જ અગ્રેસર રહી છે. સત્ય સનાતન ધર્મની સ્થાપના ભારતભૂમિમાં થઈ છે. અવતારી પુરુષો આ ભૂમિ પર પ્રગટ્યા છે. મહાપુરુષો આ ભૂમિ પર પધાર્યા છે. મહાન ઋષિમુનિઓ, સિદ્ધ સાધક યોગી, ધ્યાની પીર ફકીર, ઓલીયા જતી સતી ભક્તો વગેરે ભારતભૂમિ પર જેટલા પ્રકાશ્યા છે એટલા વિશ્વના અન્ય કોઈ દેશમાં પ્રકાશ્યા નથી. ભારતની ભૂમિ પર મનુષ્ય જન્મનો અવસર પ્રાપ્ત થવો એ પણ સદ્ભાગ્ય છે. સાચા સંતપુરુષોનો સંગ થતા એ સદ્ભાગ્ય ખીલી ઉઠે છે.

    આવી પાવનભૂમિ ભારતદેશમાં સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ ગણાય છે. આવા સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથકનું પીપળીધામ આજે ભાવિકોનું દર્શનીય પવિત્રધામ બની ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ પીપળીધામમાં અનંત બ્રહ્માંડોના નાથ, રણુજાના રાય પીર રામદેવજી મહારાજ પધાર્યા છે. તેમની સાથે શ્રી સવારામ સાહેબનું અનુસંધાન સંકળાયેલું છે.

    પીપળીગામ એ શ્રી સવારામ સાહેબની પ્રાગટ્યભૂમિ છે. વિક્રમ સંવત ૧૯૧૭ને મહા સુદ ૧૫ના રોજ તેમનું પ્રાગટ્ય થયું. તેઓ પ્રજાપતિ કુળમાં પ્રગટ્યા છે. તેમના પિતાશ્રીનું નામ શ્રી કરશનદાસ અને માતુશ્રીનું નામ શ્રી કાશીમા હતું. તેઓ બંને ખૂબ સંસ્કારી, સંતપ્રેમી અને ભક્તિવાન હતા. તેઓ પોતાનો વંશપરંપરાગત માટીકામનો વાસણ ઘડવાનો વ્યવસાય કરીને પરમાત્માની કૃપાથી પ્રભુભજન કરતા કરતા પોતાનો જીવનનિર્વાહ ચલાવતા હતા.

    શ્રી સવારામ સાહેબે બચપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી એટલે કે શ્રી કરશનદાસ સતલોક સીધાવ્યા હતા. આથી બચપણથી જ ઘરની આર્થિક જવાબદારીનો બોજ તેમના પર આવી પડતા તેઓ માંડ માંડ ગુજરાતી એક બે ધોરણ ભણી શક્યા.

    યોગ્ય ઉંમર થતા તેઓશ્રીના શુભલગ્ન સુસંસ્કારી શ્રી યમુનાબાઈ (જમનામા) સાથે થયા. તેમને શ્રી નાનજીભાઈ અને શ્રી હરજીવનદાસ નામના બે સુપુત્રો થયા.

    શ્રી સવારામ બાપા ભીતરથી કોઈ સાધારણ પુરુષ ન હતા. તેઓ જગતના જીવોને ચેતાવવા માટે પધાર્યા હતા. વાસ્તવમાં તેઓ સાહેબનું સ્વરૂપ હતા.

    આથી ઉગતી યુવાનીમાં જ તેમને ભજનપ્રેમનો રંગ લાગ્યો હતો. ભજન-સત્સંગ પ્રત્યે અનહદ પ્રીતિ જાગી. ભજનના ભાવ અને આનંદમાં ઘણી વાર તેમને ખાવા પીવાનો પણ ખ્યાલ રહેતો નહીં. જ્યાં જ્યાં ભજન હોય, ઠાકરથાળી હોય ત્યાં ત્યાં તેમને વાયક મળતા અને તેઓ ત્યાં જતા. તેમને પણ ભજન ગાવાની લગની લાગવાથી તેઓ સૌ પ્રથમ ‘‘હે જાડેજા કરી લ્યો કમાણી થોડા જીવણા રે’’ નામનું તોરલ દે નું ભજન ગાતા શીખ્યા. આમ પોતાના માટીકામના વ્યવસાયની સાથોસાથ ભજન સત્સંગ અને સાધુસંતો પર અપાર પ્રેમ અને ભાવ દાખવતા હતા.

    મહાપુરુષો અને સંતોના તથા શાસ્ત્રોના મતાનુસાર ગુરુ વિના જ્ઞાન મળતું નથી અને નુગરા માણસોનું કોઈ મહત્ત્વ નથી. શ્રી સવારામ સાહેબના ગુરુનું નામ સ્વામી ફુલગરજી મહારાજ હતું. તેઓ ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામના દશનામી અતીત સાધુ હતાં. તેમણે શ્રી સવારામ સાહેબને નામ ભજનનો મહિમા સમજાવતા કહેલું કે આ નામભજનના પ્રતાપે આગળ ઉપર સર્વ કાંઈ તને આપમેળે આવી મળશે.

    આ પછી તો શ્રી સવારામ સાહેબને ભજન સત્સંગ અને સાધુસંતો પ્રત્યે એટલો પ્રેમ જાગ્યો કે તેઓને ઘણીવાર પોતાના ધંધા પ્રત્યેનો પણ ખ્યાલ રહેતો નહીં. આથી તેમના માતુશ્રી કાશીમા તેમને અવારનવાર ઠપકો પણ આપે છતાં તેઓ તે શાંતિથી સાંભળી લેતા અને માતુશ્રીને વિવેકયુક્ત જ્ઞાનસભર જવાબ આપતા.

  2. શ્રી કાશીમાનો સતલોકવાસ

    શ્રી કાશીમા પણ પૂર્વના કોઈ અંકુરી આત્મા હતા. તેમના ગુરુ ધ્રુમઠ ગામના શ્રી કેસરભારથીજી મહારાજ હતા. શ્રી કાશીમાએ પોતાના અંતિમ સમયનો અગાઉથી ખ્યાલ આપી દીધેલો અને એ સમયની જરૂરી તૈયારી પણ તેમણે જાતે કરી હતી. આ બાબત જ તેમની દિવ્યતા વ્યક્ત કરે છે. તેઓએ પોતાના અંતિમ દિવસે કહેલું કે ‘‘આજે મારે દેહત્યાગ કરવાનો છે અને તે માટે જરૂરી છાણાનું મેં ખેંગારભાઈ ભરવાડને કહી રાખ્યું છે અને પછી ત્રીજા દિવસે તેરૈયો મૂકવા ઘરનો મોરીયો (માટીનો ઘડો) જોઈશે તો તે બનાવી નાંખો.’’

    આ પછી શ્રી કાશીમા અંતિમ સમયે પોતાના ગુરુ મહારાજની હાજરીમાં શ્રી યમુનામાના હાથે પ્રસાદ લઈ આપેલ સમયે સતલોક સીધાવ્યા.

  3. રણુજાના રાય પીર રામદેવજી મહારાજનું વચન

    ભારતમાં શ્રી કબીર સાહેબ અને રણુજાના રાય પીર રામદેવજી મહારાજ એ બંને અજન્મા પુરુષો છે. શ્રી કબીર સાહેબ કાશીનગરના લહર તળાવમાં કમળના પુષ્પ પર પ્રગટ્યા હતા અને શ્રી રામદેવજી મહારાજ પોકરણગઢમાં કંકુના પગલે પધાર્યા હતા. સનાતન ધર્મની ધજા ફરકાવવા તેમનું આગમન થયું છે. આ બંને પુરુષો શ્રી સવારામ સાહેબને આવી મળ્યા છે અને પોતાની સત્તા અને સાયબીનું અનુસંધાન મેળવ્યું છે.

    વિ.સં. ૧૯૬૮માં પીપળીગામમાં દુષ્કાળગ્રસ્ત વર્ષ આવેલું. આથી શ્રી સવારામ સાહેબ એ વર્ષે માટીકામના વ્યવસાય માટે કચોલિયા ગામે ગયેલા. કચોલિયા ગામ પીપળીથી વિરમગામ જતાં રસ્તામાં આવે છે. અહીં તેઓ દિવસે વાસણ ઘડતા અને રાત્રે બેઠક જમાવી ભજન સત્સંગ કરતા. એક સાંજે કુદરતી સાહેબ કબીર હંસદાસનું રૂપ ધારણ કરી પધાર્યા અને ભક્તોને જોઈ આનંદ પામ્યા. તેઓના આગમનનો હેતુ શ્રી સવારામ સાહેબને અમૂલ્ય ભેદ-બક્ષિસ કરવાનો હતો. આ કોઈ પૂર્વનો સંકેત હતો, આથી શ્રી હંસદાસ સાહેબે શ્રી સવારામ બાપાને એ રાત્રે ગુરુઘરનો અમર ભેદ શાન દ્વારા બક્ષિસ કર્યો. એ સાથે તેમણે શ્રી સવારામ સાહેબની બેઠકના અન્ય ભક્તોને પણ તેમના ભાગ્ય અને પૂર્વની કમાણી અનુસાર લાભ આપ્યો.

    આમ શ્રી હંસદાસ સાહેબે શ્રી સવારામ બાપાને સાહેબ ઘરનો સંપૂર્ણ ભેદ બક્ષિસ કરતાં તેઓ સાહેબનું સ્વરૂપ બન્યા. ત્યાર બાદ વર્ષ સારું આવતા તેઓ પીપળી પરત આવ્યા.

    આ જ વર્ષે એટલે કે વિ.સં. ૧૯૬૮માં તેઓને રણુજાના રાય પીર રામદેવજી મહારાજ મળ્યા. શ્રી સવારામ સાહેબ સાથે શ્રી રામદેવજી મહારાજનું પૂર્વનું અનુસંધાન સંકળાયેલું હતું. એ અનુસંધાને તેઓ પીપળીમાં શ્રી સવારામ બાપાને આવી મળ્યા. એ અનુસાર એક રાત્રે તેઓ શ્રી સવારામ સાહેબના ઘેર પધાર્યા અને શ્રી સવારામ સાહેબને વચન આપતાં કહ્યું કે, ‘‘સવા, મારે તારે ત્યાં કાયમી બેસવું છે. નિવાસ કરવો છે. અહીં અખંડ સદાવ્રત શરૂ થશે અને ઘોડો આવશે તથા ઈશાન ખૂણામાં બાવન ગજનો નેજો ફરકશે એવું મારું વચન છે.’’

    શ્રી સવારામ સાહેબની ભીતરની દોલત તો ભરપૂર હતી પણ જગતની ભૌતિક દોલતનો અભાવ હતો. પોતાની નબળી આર્થિક પરિસ્થિતિને લીધે તેમણે કહ્યું કે, ‘‘હું નેજો ક્યાં ચડાવું ? મારાથી તો એ બની શકે એમ નથી. છતાંય આપની આજ્ઞા હોય તો આપણા ઘેર એક લીંબડી છે તેના પર ચડાવું.’’

    આ શબ્દો સાંભળી પીર રામદેવજી મહારાજે કહ્યું કે, ‘‘તું ચિંતા ફીકર કરીશ નહિ. તારી જોગવાઈ હોય કે ન હોય પણ મારે તારે ત્યાં બેસવું છે. આ તો પૂર્વનું કોઈ નીકટનું અનુસંધાન છે, પૂર્વનો કોઈ નીકટનો નાતો છે, પૂર્વની કોઈ ગ્રંથિ છે. એથી આ અનુકૂળ બન્યું છે. આગળ ઉપર સમય અનુકૂળ બનતાં અનાયાસે જે પુરુષના હાથે જે કંઈ બનવાનું હશે તે બનશે...’’

    શ્રી સવારામ સાહેબે આવા શબ્દો સાંભળી કહ્યું કે, ‘‘ભલે જેવી આપની ઇચ્છા.’’

    આમ રણુજાના રાય શ્રી રામદેવજી મહારાજે સ્વેચ્છાએ સામે ચાલીને શ્રી સવારામ સાહેબને મળીને પૂર્વનું નીકટનું અનુસંધાન અનુકૂળ બનાવીને, અહીંની ભવિષ્યની આગળ ઉપરની પોતાની કાર્યવાહી અન્ય મહાપુરુષ દ્વારા અનુકૂળ બનવાની છે એવું ગર્ભિત સૂચન કરીને ભાવિનો સંકેત આપી દીધો અને તેમને ત્યાં કાયમી બેસણાનું વચન આપી દીધું.

  4. વચન અનુસાર કાર્યવાહીના મંડાણ

    અનંત બ્રહ્માંડોના નાથ રણુજાના રાય પીર રામદેવજી મહારાજ પોતાના વચન અનુસારની કાર્યવાહીનો પ્રારંભ અખંડ સદાવ્રત દ્વારા કરે છે. વિ.સં. ૧૯૬૯માં શ્રી સવારામ સાહેબના ઘેર અનાસુરતી અનાજનું આગમન થયું અને અન્નક્ષેત્રની શરૂઆત થઈ. ત્યારથી એ સદાવ્રત આજ સુધી અખંડ રીતે ચાલી રહ્યું છે અને હજારો સાધુ-સંતો ભક્તો અને અભ્યાગતો તેનો લ્હાવ લઈ રહ્યા છે.

    ત્યાર બાદ વિક્રમ સંવત ૧૯૭૦માં શ્રી રામદેવપીરના ઘોડાનું અનાસુરતી આગમન થયું. આ ઘોડાનું આગમન થતાં શ્રી સવારામ સાહેબના ઘરમાં ગેબી ચમત્કારિક અને અલૌકિક ઘટનાઓ બનવા લાગી. આથી સંતો ભક્તોએ મળીને શ્રી ઝબુબાઈની હાજરીમાં આ ઘોડાને શ્રી સવારામ સાહેબના ઘરે સ્થાન આપ્યું અને શ્રી રામદેવપીરના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ત્યાં સુધી ઘેર જ તેની સેવા પૂજા કરી.

    ત્યાર બાદ શ્રી રામદેવજી મહારાજની ઇચ્છા અને પ્રેરણાથી શ્રી રામદેવપીર મંદિરના નિર્માણની કાર્યવાહી અનાયાસે અનુકૂળ બની. મંદિરના બાંધકામ દરમિયાન જ્યારે જ્યારે જેવા જેવા પ્રકારની જરૂરિયાત પેદા થઈ ત્યારે ત્યારે પ્રેરણાદિક બનીને અનેક પરચા આપી એ જરૂરિયાતો સંતોષેલી.

    પીપળી ગામમાં અનેક સાધુ-સંતો પધારતા હતા. તેમના ઉતારા માટે વ્યવસ્થા ન હોવાથી શ્રી સવારામ સાહેબને પીપળીના નગરશેઠ લક્ષ્મીચંદ કાળીદાસ સંઘવીના ખુલ્લા વાડાની જમીન જોઈતી હતી, પણ શેઠ તે આપવા તૈયાર ન હતા. એ અરસામાં લક્ષ્મીચંદ શેઠને જીવલેણ દર્દ લાગુ પડ્યું અને શ્રી રામદેવજી મહારાજની કૃપાથી તેમનો બચાવ થયો, આથી તેઓએ ખુલ્લો વાડો શ્રી સવારામ સાહેબને વેચવાની તૈયારી બતાવી અને તેના વેચાણના દસ્તાવેજ થયા. આમ લક્ષ્મીચંદ શેઠનું જીવલેણ દર્દ મટાડી જીવતદાન આપી હાલના મંદિરની જમીનની વ્યવસ્થા એ સમયે અનુકૂળ કરી આપી. આમ શ્રી રામદેવપીર બાપાએ પરચા દ્વારા પોતાની કાર્યવાહી આગળ વધારી.

    ત્યાર બાદ મંદિરની ઈંટોના પૈસા શ્રી સવારામ સાહેબ પાસેથી છેતરપિંડી કરીને લઈ જનાર ઘુડાચોરને શ્રી રામદેવજી મહારાજે બજાણા પોલીસ થાણે હાજર કરાવ્યો. આ પછી મંદિર માટેનો જરૂરી લાકડાનો કાટમાળ ખરીદવા ભાવનગર ગયેલા પીપળીના પટેલ ભાઈઓને પૈસા ખૂટતાં ભાવનગરની લાકડાની લાટીમાં શ્રી રામદેવપીરે સોની શેઠનું રૂપ ધરી ત્યાં પધારી ૭૦૦ રૂપિયા ભરપાઈ કર્યા. આ રીતે શ્રી રામદેવપીર બાપાની કૃપાથી મંદિર બની ગયું.

  5. શ્રી દ્વારકાધીશ રામદેવપીર મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ

    શ્રી સવારામ સાહેબના હસ્તક બનેલા શ્રી રામદેવપીર મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ વિક્રમ સંવત - ૧૯૭૨, વૈશાખ સુદ-૧૧ના રોજ ખૂબ જ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ધામધૂમથી ઉજવાયો. આ પ્રસંગે હજારો સાધુ-સંતો અને ભક્ત સમુદાયે ભજન-સત્સંગ અને પ્રસાદનો લ્હાવો લીધો. આ મહોત્સવ પ્રસંગે એ સમયે થયેલો હજારો રૂપિયાનો ખર્ચ પીર રામદેવજી મહારાજની કૃપાથી ભરપાઈ થઈ ગયેલો. ખુદ શ્રી રામદેવજી મહારાજ એ સમયે ઘોડેસવાર પોલીસ અમલદારના સ્વાંગમાં સંતસભામાં બેઠેલ જીવણગર મહારાજને પકડવાના નિમિત્તે પધારીને પ્રસંગને પરિપૂર્ણ સફળ બનાવેલો. તેઓ સંત સભાને વિમાસણમાં મૂકીને, ભૂલાવામાં નાંખીને અદૃશ્ય થઈ ગયેલા.

    આ સંત સભામાં રાપર (કચ્છ)ના મહંત શ્રી અમરદાસજી બાપુ, સમી તાલુકાના કુંવર ધામના મહંત શ્રી હરદ્વાર પુરીજી બાપુ તથા ધ્રુમઠ ગામના મહંત શ્રી કેશરભારથીજી બાપુ હાજર હતા. શ્રી સવારામ સાહેબનું ઘર પવિત્ર મંદિર બન્યું.

    આ સમયે ભાવિના કોઈ અનુસંધાને સૂચક રીતે રણુજાના રાય પીર રામદેવજી મહારાજની ગુપ્ત રહી ગેબી રીતે કાર્ય કરવાની ઇચ્છા હોવાથી શ્રી રામદેવપીર મંદિરમાં દ્વારકાધીશ શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. શ્રી રામદેવપીરને શ્રી સવારામ સાહેબના સ્વહસ્તે યુક્તિ પૂર્વક ગેબી સ્થાન આપવામાં આવ્યું. (શ્રી સવારામ સાહેબે પણ પોતાની સત્તા છુપાવી રાખેલી) આમ શ્રી રામદેવપીર મંદિરમાં દ્વારકાધીશ બીરાજમાન થયા છે.

    આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વેદોક્ત રીતે વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને પીરાણાના સ્થંભનું રોપણ કરીને એ સમયે બાવન ગજનો નેજો ફરકાવવામાં આવેલો. ગેબી પુરુષના સૂચનથી નાગદેવના સંકેત અનુસારના સ્થળે સ્થંભનું રોપણ કરવામાં આવેલું છે.

    જ્યારે રણુજાના રાય પીર રામદેવજી મહારાજની પીરાઈની ખાતરી કરવા મક્કા-મદીનાથી પાંચ પીર અને બાવન હજાર ઓલીયા આવેલા ત્યારે એમને શ્રી રામદેવજી મહારાજે પાંચ પીપળીના છાંયે સવા હાથની જાજમ પર આસન આપેલું અને સવા શેર ચોખામાં એ સર્વને, મક્કા-મદીનાથી ગેબી રીતે એમના વાસણ યા પાત્ર લાવી દઈને મનભાવતી મન વાંચ્છિત વાનગીઓ પીરસેલી. શ્રી રામદેવજી મહારાજની આ પીરાઈ જોઈને એ સૌએ એમને ‘‘હિંદવા પીર’’નો ઇલ્કાબ આપ્યો.

    આ એક અનુસંધાન હતું; સંકેત હતો, રહસ્ય હતું. શ્રી રામદેવજી મહારાજે સવા સાથે સંબંધ રાખ્યો હતો, અને એ શબ્દ સાથે નીકટનો નાતો રાખી અનુસંધાન મેળવ્યું હતું. સવા, પીપળી અને મુસ્લિમ પીર ઓલીયા. આમાં શ્રી રામદેવજી મહારાજનો ગર્ભિત ઈશારો હતો કે, જતવાડના પીપળી ગામમાં સવા નામધારી પુરુષ તરીકે પોતે પ્રગટ થશે અને સમય આવ્યે સ્વરૂપ બદલી વિશ્વમાં સત્ય સનાતન ધર્મનો મહિમા પ્રસરાવી સતયુગના મંડાણ કરશે. પૂર્વના આ અનુસંધાને રણુજાના રાય પીર રામદેવજી મહારાજ પીપળીમાં પધાર્યા છે.

  6. નાગદેવનો સંકેત

    આ રીતે પીપળીમાં શ્રી સવારામ સાહેબના ઘરે અખંડ સદાવ્રત ચાલુ થતાં અને શ્રી દ્વારકાધીશ રામદેવપીર મંદિરમાં ધર્મનો પાયો રોપાતા અહીં અનેક સાધુ-સંતો અને ભક્તોનું આગમન અવિરત પણે ચાલુ થયું. કોઈ કુદરતી ગેબી સંકેત અનુસાર ક્યારેક ક્યારેક સદાવ્રત માટે અનાજની અછત વર્તાતી. શ્રી સવારામ સાહેબ ભજન કરતા કરતા પોતાનો વાસણ ઘડવાનો ધંધો કરતા કરતા આ સર્વેનું સન્માન કરતાં અને સદાવ્રત આપતા રહેતા. આર્થિક નબળી પરિસ્થિતિમાં પણ આ ક્રમમાં કોઈ ફેરફાર થતો નહિ.

    એક સમયે સદાવ્રત આપવા માટે અનાજની તંગી પડી. આવા સમયે તેમણે પરમાત્માને અરજ કરીને માટીના બલોયા બનાવ્યા, અને તેના ઉપર સોનેરી રંગ ચડાવી આબેહુબ સોનાના હોય એવા બનાવ્યા. પહેલા ગામડાઓમાં સ્ત્રીઓ હાથે બલોયા પહેરતી. આ સોનેરી બલોયા તેમણે પીપળીના અરજણભાઈ પટેલને ત્યાં ગીરવે મૂકી ૨૫ (પચ્ચીસ) રૂપિયા લાવી સદાવ્રતની મુશ્કેલી દૂર કરેલી. અરજણભાઈએ આ બલોયાનો રવજીભાઈ સોની પાસે કસ કઢાવેલો તો તે સોનાના માલુમ પડેલા. ત્યાર બાદ શ્રી સવારામ સાહેબ પાસે પૈસાની સગવડ થતાં એ બલોયા પાછા લઈને અરજણભાઈના દેખતાં જ તેને ધરતી પર પછાડી ટૂકડા કરી નાંખેલા. આમ સદાવ્રત ચલાવવા માટે આવતી કઠિનાઈ સામે તેમણે અકળ કળાનો ઉપયોગ કરી સદાવ્રતને ખંડિત થવા દીધું નથી.

    આ જ પ્રમાણે બીજી વખત પણ મુશ્કેલીના સમયે તેમણે બલોયા બનાવીને ઘરના મજૂડામાં મુકવા હાથ નાંખ્યો તો મજૂડામાંથી એક નાગદેવ આંગળીએ ચોંટી ગયા. સર્વની ચિંતા વચ્ચે શ્રી સવારામ સાહેબ રાતભર એકલા ઓરડામાં રહ્યા અને બીજા દિવસે સવારે ઝેર ઊતરી ગયું હતું, પણ આ એક સંકેત હતો. દ્વારકાધીશ શ્રી રામદેવપીર મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સંતોએ શ્રી સવારામ સાહેબને પોતાના પૂરતો ધંધો બંધ કરી સાધુ સંતની સેવા અને ભજન પાછળ સમય પસાર કરવા સૂચન કરેલું પણ શ્રી સવારામ સાહેબે તે ધ્યાનમાં લીધું નહિ. આથી નાગદેવનો ડંસ એ તેમને પોતાના પૂરતો ધંધો બંધ કરવાનો સંકેત હતો. આ સંકેતને અનુસરીને ત્યાર પછી તેઓએ પોતે ધંધામાંથી નિવૃત્તિ લઈ લીધી અને સાધુ સંતો અને ભક્તોની સાથે ભજન સત્સંગમાં સમય પસાર કરવા લાગ્યા...

  7. સંતોનું મિલન

    શ્રી સવારામ સાહેબની સુવાસ સંતોમાં પ્રસરી હતી. તેમની સાથે સત્સંગ કરવા દૂર દૂરથી સંતો પધારતા. ગેબી પુરુષો પણ પધારતા. ઘણા મહાપુરુષો સાથે તેમનું મિલન થયેલું અને ઘણાની સાથે તેમને સનાતન ધર્મની રીતમાં નાતો પણ હતો. આ રીતે દૂધરેજના શ્રીરઘુવર સ્વામી, કચ્છના સ્વામી દયાનંદ મુંડીયા સ્વામી, ધ્રાંગધ્રાના દેશળ ભગત, કુંવર ધામના શ્રી હરદ્વારપુરીજી મહારાજ, વિસનગરના કાજી અનવર સાહેબ, પીપળીના શ્રી મધાજી બાપુ, નરસિંહ પુરાના હીરા ભગત, ધ્રાંગધ્રાના નર્મદાગીરીજી (નાગાજી), ખારેશ્વર (ધ્રાંગધ્રા)ના ન્યાલગીરી બાપુ, ધ્રુમઠના કેશર ભારથીજી મહારાજ, નાગરદાસ બાવા, રાપરના અમરદાસજી બાપુ, કડવાસણની ઝાડીના દેવપુરી સ્વામી, ગીરનારના સિદ્ધ પુરુષ શાંતિગીરી નાગા, એમ અનેક સંત પુરુષો સાથે તેમનો મેળાપ થતો રહેતો. આ ઉપરાંત ગીરનારના ગેબી પુરુષ જમીયલશા દાતાર, ગોપીચંદ અને ભરથરી તથા પીપળી ગામની આજુબાજુના ગેબી પુરુષો સાથે તેમનો નાતો હતો. મહાત્મા ગાંધીજીના ગાઢ સાથી સ્વામી આનંદ તો મહામુસીબત વેઠીને પણ ખાસ શ્રી સવારામ સાહેબના દર્શન માટે ઈ.સ. ૧૯૫૪માં કેટલાક સાથીઓ સાથે પીપળી પધાર્યા હતા અને તેમની પૂજા કરી હતી. શ્રી સવારામ સાહેબની ભજનવાણીના શબ્દો સાંભળી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને શબ્દની ઓળખાણે તેમને તેમના દર્શનની તાલાવેલી લાગી હતી.

    શ્રી સવારામ સાહેબને આબુમાં અલખનો ભેટો થયો હતો. તેઓ વિ.સં. ૧૯૮૫માં કેટલાક ભક્તો સાથે રણુજા ગયેલા. ત્યાંથી પાછા ફરતા માઉન્ટ આબુમાં તેઓ નખી તળાવે સ્નાન કરવા જતા હતા ત્યારે એક સંત તેમને ગેબી ભોંયરામાં લઈ ગયેલા. ત્યાં શ્રી સવારામ સાહેબને અલખ પુરુષના દીદાર થયા હતા. તે વિગત તેમણે પોતાના એક પદમાં દર્શાવી છે.

  8. બજાણા જેલમાં પરચો

    શ્રી સવારામ સાહેબ સનાતન ધર્મને વરેલા હતા અને એ ધર્મના પાલન અને મર્યાદા માટે તેઓ ગમે તેવા સંકટો સહન કરવા તૈયાર રહેતા. એક સમયે તેમને ત્યાં સનાતન ધર્મની રીતે પાટપૂજનનો પ્રસંગ હતો ત્યારે બજાણા સ્ટેટના દરબાર સાહેબ જીવણખાન બાપુને પણ ધર્મની મર્યાદા ખાતર મંદિરમાં પ્રવેશવા દીધા ન હતા. જીવણખાન બાપુ સમજુ હતા પણ કોઈની કાનભંભેરણીનો તેઓ ભોગ બન્યા હતા. આથી તેઓ તપાસ માટે ત્યાં આવેલા પણ એ સમયે સમય અનુસાર તેમને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવેલા. તેથી તેમણે બજાણા જઈ પોલીસ મોકલી અને શ્રી સવારામ સાહેબ તથા તેમના નિકટના સતિ સેવક શ્રી ઝબુબાઈને બજાણા હાજર કર્યા. દરબાર સાહેબના હુકમથી બંનેને જેલમાં પૂરવામાં આવ્યા પણ એ જેલના તાળા ગેબી કારણસર બંધ થયા નહીં. શ્રી રામદેવપીર બાપાએ અકળ રીતે તાળુ બંધ થવા ન દીધું. જીવણખાન બાપુએ આ ઘટના નજરો નજર નીહાળતા તેમની માફી માગી અને દરબારગઢમાં લાવી તેમનું સન્માન કર્યું. શ્રી ઝબુબાઈ એ સમયમાં અંગ્રેજી શિક્ષણ પામેલ સુશિક્ષિત સન્નારી સંત હતા અને બજાણા દરબાર સાહેબની રાજકુંવરીઓને અંગ્રેજીનું શિક્ષણ આપતા હતા.

  9. શ્રી રામદેવપીરનો વિસામો

    એક વખત શ્રી સવારામ સાહેબને બજાણા ગામનું વાયક મળતા તેઓ ઠાકોરજીની પાલખી લઈને ભક્તમંડળ સાથે બજાણા જતા હતા. ત્યારે પીપળીથી ચાર કિલોમીટર દૂર અચાનક કુદરતી રીતે પાલખીમાં રહેલ શ્રીફળ કૂદીને નીચે પડ્યું. શ્રી સવારામ સાહેબ આ ઘટનાને મનોમન સમજી ગયા અને ત્યાં શ્રીફળ મૂકીને ધૂપ-દીપ કરી શ્રી રામદેવજી મહારાજની અહીં વિશ્રામ કરવાની ઇચ્છાને અનુરૂપ તેમની સ્થાપના કરી. તેથી આ સ્થળ ‘‘શ્રી રામદેવપીરનો વિસામો’’ તરીકે ઓળખાય છે. આ ઘટના વિ.સં. ૧૯૭૪માં બનેલ છે.

    આ સ્થળ સાથે શ્રી ઝબુબાઈનું અનુસંધાન પણ જોડાયેલું છે. શ્રી ઝબુબાઈ એક સમયે બજાણાથી ચાલીને પોતાના સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબના દર્શન અને સત્સંગ માટે પીપળી આવતા હતા. તેઓ ચાલતા ચાલતા શ્રી રામદેવપીરના વિસામે આવ્યા ત્યાં તો અચાનક જ તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તેઓ મૃત્યુદશાને પામ્યા.

    આ સમયે ઘોડેસવારના રૂપમાં શ્રી રામદેવજી મહારાજે પધારીને તેમને બાથમાં ઘાલી બેઠા કર્યા અને પોતાની સાથે લાવેલ સાકરનું પાણી પાઈ સજીવન કર્યા. પછી તેઓ મંદિર આવ્યા અને દોઢ દિવસ અને દોઢ રાત ભજન સત્સંગ કરી ગુરુ મહારાજના સાંનિધ્યમાં દેહ છોડ્યો. ત્યાર બાદ ભક્તમંડળની હાજરીમાં ફરી સજીવન થઈ સૌને બે હાથ જોડી સીતારામ કરી ત્રીજી વખત દેહનો ત્યાગ કરી સતલોક પ્રયાણ કર્યું. આમ શ્રી ઝબુબાઈએ ત્રણ ત્રણ વખત દેહ છોડી સતનું પ્રમાણ આપ્યું. શ્રી ઝબુબાઈએ વિ.સં. ૧૯૯૮ના અધિક અષાઢ વદ અમાસના દિવસે દેહ ત્યાગ કર્યો. શ્રી ઝબુબાઈ ડાલીબાઈનો અવતાર હતા.

    આમ, ‘‘શ્રી રામદેવપીરનો વિસામો’’ એની સાથે રણુજાના રાય શ્રી રામદેવજી મહારાજ, શ્રી સવારામ સાહેબ અને શ્રી ઝબુબાઈનું અનુસંધાન સંકળાયેલું છે. આજે તો અહીં શ્રી રામદેવપીરનું સુંદર દેવળ શોભી રહ્યું છે.

  10. શ્રી યમુનામાનો સતલોકવાસ

    શ્રી ઝબુબાઈની ફુલ સમાધિ પીંપળીના મંદિરમાં દર્શનીય બની છે. તેમની સાથે અહીં શ્રી સવારામ સાહેબના ભંડારી (ધર્મપત્ની) શ્રી યમુનામાની ફૂલ સમાધિ પણ મોજુદ છે. શ્રી યમુનામાં એ વિ.સં. ૨૦૦૪ (ઈ.સ. ૧૯૪૮)ના ભાદરવા સુદ-૧૧ના રોજ સતલોક પ્રયાણ કરેલું. તેઓ પણ મહાન સમર્થ દેવીનો અવતાર હતા. તેમણે સાત દિવસ અગાઉથી પોતાનો દેહ છૂટવાની જાણ કરી હતી. એ સમયે શ્રી યમુનામાંના સુપુત્ર શ્રી હરજીવનદાસના ધર્મપત્ની શ્રી જીવતીબા પોતાના પીયર ધ્રાંગધ્રા હતા. શ્રી યમુનામાએ જીવતીબાના હાથે પ્રસાદ જમવાની ઇચ્છા વ્યક્ત કરી. આથી ધ્રાંગધ્રાથી જીવતીબાને બોલાવવામાં આવ્યા અને શ્રી યમુનામાએ સાતમા દિવસે પોતે નક્કી કહેલ સમયે શ્રી જીવતીબાના હાથેથી પ્રસાદ લઈ પોતાના દેહનો ત્યાગ કરી પોતાના વતનમાં સિધાવ્યા...

  11. શ્રી સવારામ સાહેબનો સતલોકવાસ

    હવે શ્રી સવારામ સાહેબની ઉત્તરાવસ્થામાં ભજનભાવ તથા વયોવૃદ્ધ ઉંમર થતા તેઓ પોતાની સત્સંગમાં લીન રહેતા હતા. શ્રી હરજીવનદાસના સુપુત્ર શ્રી બળદેવદાસ મહારાજ તન મન ધનથી શ્રી સવારામ સાહેબની સેવા કરતા હતા. શ્રી સવારામ સાહેબના હેતુપૂર્વક ધારણ કરેલા ઉગ્ર સ્વભાવની સામે પણ શ્રી બળદેવદાસ મહારાજ ખૂબ શાંતિ અને પ્રેમથી તેમની સેવા ઉઠાવતા. તેઓ જ્ઞાન ભક્તિ અને યોગ વિશે ખૂબ જ આધિનતા, જિજ્ઞાસા અને નમ્રતાથી પ્રશ્નો પૂછતા. શ્રી સવારામ સાહેબ તેમને સંતોષ આપતા. બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબની કસોટીમાંથી તેઓ પાર ઉતરતા સદ્‌ગુરુએ તેમના પર દયા કરીને, પૂર્ણ કૃપા કરીને વિ.સં. ૨૦૧૭ના માગશર સુદ-૬ને બુધવારની રાત્રે સવા વાગે સંપૂર્ણ ગુરુભેદ બક્ષિસ કર્યો અને પોતાનું સ્વરૂપ બનાવ્યા.

    હવે શ્રી સવારામ સાહેબની સો વર્ષની સંપૂર્ણ આયુષ્ય થતા તેમના માટે મૃત્યુલોક છોડવાનો સમય નજીક આવ્યો. તેઓ સતલોક સીધાવ્યા તે અગાઉ બે માસ પૂર્વે તેમણે શ્રી બળદેવદાસ મહારાજને એનું સૂચન કરી દીધેલું... ત્યાર પછી થોડા દિવસ બાદ શ્રી સવારામ સાહેબે તેમની બેઠકના સર્વ હરિજન મંડળ તથા સેવકોને બોલાવી સૂચના કરી કે ‘‘આ મૃત્યુલોકમાં હવે હું થોડા સમય માટે છું. નાશવંત, ક્ષણભંગુર શરીરનો વિલય નજીકમાં જ હોય તેમ મને લાગે છે. તેવા સંજોગોમાં સંતમંડળને મારી નમ્ર વિનંતી છે કે શ્રી રામદેવજી મહારાજના મંદિરની વ્યવસ્થા તથા જવાબદારી હું શ્રી બળદેવદાસને સોંપુ છું. મારા પંચમહાભૂતના દેહ વિલય બાદ સર્વ સંત મંડળ મળીને મંદિરના પૂજારી શ્રી બળદેવદાસને ચાંલ્લો કરીને ચાદર ઓઢાડજો અને ઠાકરના ખોળે બેસાડજો. મારી દૃષ્ટિએ શ્રી બળદેવદાસમાં શુભ સંસ્કાર અને ઈશ્વરી અંશ હોય તેવા ઉત્તમ લક્ષણો દેખાય છે. તે પૂર્વની કમાઈવાળો યોગભ્રષ્ટ આત્મા છે. તે મંદિરની તમામ વ્યવસ્થા યોગ્ય રીતે ચલાવશે તથા શ્રી રામદેવજી મહારાજ સર્વ પ્રકારે સહાયતા કરશે એવા મારા આશીર્વાદ છે.’’

    આવી સૂચના કર્યા પછી જ્યારે અંતિમ સમયને બે દિવસ બાકી રહ્યા ત્યારે ફરીથી તેઓએ શ્રી બળદેવદાસ મહારાજને સૂચન કર્યું. શ્રી બળદેવદાસ મહારાજને મૂંઝવણ થઈ. એ મૂંઝવણનો ઉકેલ સૂચવતા તેમણે કહ્યું કે,

    ‘‘ભાઈ, તારે મૂંઝાવાની કંઈ જરૂર નથી. આ મૃત્યુલોકમાં આવીને જે કામ ખાસ કરવાનું હતું તે તેં કરી લીધું છે. તો કલ્પના કરવાની તારે કોઈ જરૂર નથી અને મારે જવાનો સમય છે તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. મારે કહેવાનું એટલું જ કે મારું શરીર છૂટ્યા બાદ કદાચ તમને મૂંઝવણ થશે તો તેના માટે મેં એક પત્ર લખીને કવરમાં બંધ કરીને પેટીમાં મૂક્યો છે. મારું શરીર છૂટે ત્યારે તે પત્ર લઈ સર્વ સભાની સમક્ષ રજૂ કરી દેવો. બીજી કોઈ પણ જાતની ચિંતા કરવી નહીં. તેમાં બધી વિગત હશે.’’

    આ પછી શ્રી સવારામ સાહેબ સૂચવેલ નિર્ધારીત સમયે એટલે કે વિક્રમ સંવત ૨૦૧૭ (ઈ.સ. ૧૯૬૧)ના વૈશાખ વદ-૧૧ને બુધવારના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે સતલોક સીધાવ્યા. એ સમયે શ્રી સવારામ સાહેબના દેહને સમાધિ આપવી કે અગ્નિસંસ્કાર કરવો એની સૌ ભક્તોને મૂંઝવણ થઈ. આ સમયે શ્રી બળદેવદાસ મહારાજે શ્રી સવારામ સાહેબનો પેટીમાં મૂકેલ પત્ર સભા સમક્ષ રજૂ કર્યો અને દયાળજીભાઈ પેથાભાઈએ તે વાંચી સંભળાવ્યો. જેની વિગત નીચે પ્રમાણે છે :

    ‘‘હે હરિજન ભાઈઓ ! સર્વને મારી અરજ છે કે, મારા શરીરનો ચોળો છૂટ્યા બાદ કોઈ અફસોસ કરશો નહિ. કોઈ ઉદાસ થશો નહીં કારણ કે આ પૃથ્વી ઉપર જે આવ્યા તે કોઈ રહી શક્યા નથી. તેથી જ આ લોકનું નામ મૃત્યુલોક રાખવામાં આવ્યું છે. અનેક મહાપુરુષો મહાન સિદ્ધ અને સમર્થ હતા છતાં તે સર્વ પૃથ્વી માતાની ગોદમાં સમાઈ ગયા છે. તો મારા માટે પણ આ કોઈ નવાઈ જેવી વાત નથી. મારું શરીર આ લોકનો નાતો છોડીને વિદાય લે, ત્યાર પછી સર્વ ભક્તો મળીને પાલખી બનાવીને, આ શરીરને પદમાસન વળાવીને તેમાં બેસાડજો અને વાજતે ગાજતે રામધૂન કીર્તન ચાલુ રાખશો. ગુગળનો ધૂપ પણ સળંગ ચાલુ રાખશો. અબીલ ગુલાલ ઉડાડતા ઉડાડતા, રામધૂન કીર્તન ગાતા ગાતા સ્મશાન ભૂમિમાં લઈ જઈને અગ્નિદાહ દેજો. જેથી સર્વ તત્ત્વો પોતપોતાનામાં ભળી જાય. મને સમાધિ આપશો નહિ.’’

    ત્યાર બાદ સર્વ ભક્તોએ મળી તેમની સૂચના મુજબ પાલખી બનાવી સમગ્ર ગામમાં ફેરવી અને પછી તેમના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો. આ પછી મંદિરમાં તેમની ફૂલ સમાધિ બનાવવામાં આવી. આ સમાધિ માટે તેમણે અગાઉથી જ શ્રી ઝબુબાની અને શ્રી યમુનામાની સમાધિ વચ્ચે વિચારપૂર્વક સ્થાન ખાલી રાખેલું. અહીં હાલમાં સમાધિ એ રીતમાં છે.

  12. મંડપ મેળો

    શ્રી સવારામ સાહેબના સતલોકવાસ પછી તેમની પાછળ જગતની રીતમાં લૌકિક વ્યવહાર કરવો કે સાધુશાહીની રીતમાં વ્યવહાર કરવો તે પ્રશ્ન પેદા થયો. બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે સાધુશાહીની રીતમાં ટુકડાનું એટલે કે મંડપ મેળાનું આયોજન કરવાનું નક્કી કર્યું. આ માટે હજારો રૂપિયાનો ખર્ચ થવાનો હતો. શ્રી બળદેવદાસ મહારાજની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી છતાં પણ દૃઢ આત્મવિશ્વાસ સાથે ગમે તે ભોગે તેમણે મંડપમેળાનું આયોજન વિચાર્યું. તેમની આર્થિક સ્થિતિને લીધે ભક્તો અને અન્ય ભાવિકો પણ ટૂકડા બાબત શંકાશીલ હતા. પણ શ્રી બળદેવદાસ મહારાજે પોતાના દરદાગીના અને જમીન ગીરવે મૂકીને પણ મંડપમેળાનું આયોજન વિચાર્યું.

    અધિક જેઠ સુદ ૧૫નો દિવસ આ માટે નક્કી કર્યો. મંડપમેળાનું સંચાલન અને વ્યવસ્થા કમીજલાના રવિ-ભાણ સંપ્રદાયના મહંત શ્રી દ્વારકાદાસ બાપુને સોંપાયું. તેઓ પીપળીમાં પંદર દિવસ રોકાયા. આમંત્રણ પત્રિકાઓ અને કંકોત્રીઓ દ્વારા આમંત્રણ મોકલાતા હજારો ભાવિક ભક્તો અને સાધુ સંતો પધાર્યા. આ સર્વએ ખૂબ પ્રેમપૂર્વક ભજન-સત્સંગ અને પ્રસાદનો લ્હાવો લીધો.

    આ પ્રસંગે સંતો મહંતો અને હજારો ભાવિક ભક્તોના સમુદાયની હાજરીમાં શ્રી બળદેવદાસ મહારાજને વિધિસર રીતે ચાંલ્લો કરી ચાદર ઓઢાડી મંદિરનો વહીવટ અને ગુરુગાદી અર્પણ કરવાની વિધિ કરી. ભક્તોના જય જયકાર વચ્ચે આ પવિત્ર વિધિ થઈ. પ્રસંગમાં પધારેલ હરેક સાધુસંતને ભેટપૂજાનો યથાયોગ્ય ભાગ્ય અનુસાર વિવેક કરી સન્માન કરવામાં આવ્યું.

    આમ વિ.સં. ૨૦૧૭ના અધિક જેઠ સુદ-૧૫ના રોજ શ્રી બળદેવદાસ મહારાજ દ્વારા વિકટ આર્થિક સંજોગો હોવા છતાં ખૂબ સફળતાપૂર્વક મંડપમેળો સમાપ્ત થયો. રણુજાના રાય પીર રામદેવજી મહારાજની કૃપાથી આ પ્રસંગે થયેલ હજારો રૂપિયાનો ખર્ચ ભરપાઈ થઈ ગયેલો.

    આમ સો વર્ષ અને સો દિવસનું સંપૂર્ણ આયુષ્ય પસાર કરનાર શ્રી સવારામ સાહેબની આધ્યાત્મિક અમરવાણી આજે ભારતમાં ગૂંજી રહી છે. ભજનીક સંતો અને ભાવિક જિજ્ઞાસુ ભક્તો તેમની વાણીના પ્યાસી છે. તેમની ભજનવાણીના ગ્રંથની ઘણી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. તેઓએ પોતાના હાથમાં સકળ સત્તા હોવા છતાં કોઈ સમયને અનુલક્ષીને પોતાની સત્તા છૂપાવી રાખી હતી. તેમની વાણીમાં આ માહિતી જાણવા મળે છે.

અલખ ખલકનો અનુભવી સકલ સત્તા છે હાથમાં દાસ સવે દીનતા ગ્રહી સમજી વાલાની વાતમાં